BANNED PLASTIC : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા 350 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, 22 હજાર દંડ વસૂલ્યો

BANNED PLASTIC : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની, પાણીના વેડફાટ કરનાર સામે દંડ વસૂલવાની કડક કાર્યવાહી ચાલુ છે, તેની વચ્ચે મનપા દ્વારા રાજ્ય સરકારના ‘વિઝીબલ ક્લીનલીનેસ’ કાર્યક્રમ અંતર્ગત 120 માઇક્રોનથી જાડાઇ વાળા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ પાસેથી આવી પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી દંડ ફટકારવાની કાર્યવાહી આજથી શરૂ કરી છે.

મનપાના કમિશ્નર મનિષ ગુરવાણીના સીધા માર્ગદર્શન તળે રાજ્ય સરકારના ‘’’’વિઝીબલ ક્લીનલીનેસ’’’’ કાર્યક્રમ અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે.

આ ઝુંબેશ દરમિયાન આજે મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલુ કરવામાં આવેલી જપ્તી ઝુંબેશ દરમિયાન ગાંધીધામના પાંચ હોલસેલ પ્લાસ્ટિક વેપારીઓની દુકાનોમાંથી અંદાજે 350 કિલોગ્રામ જેટલું 120 માઇક્રોનથી ઓછી જાડાઈવાળું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની સાથે મહાનગરપાલિકાના અધિકારીઓએ આ કાર્યવાહી દરમિયાન વેપારીઓ પાસેથી કુલ રૂ.22,000 નો દંડ પણ વસૂલ કર્યો છે.
આ ઝુંબેશ પર્યાવરણ સંરક્ષણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધને અમલમાં મૂકવા માટે ચલાવવામાં આવી રહી છે.આવી કાર્યવાહીઓ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અપીલ કરવામાં આવી છે તેમજ વેપારીઓને પણ સહયોગ કરવા અપીલ કરાઇ છે.