ED IN COLLECTOR RESIDENT : સુરેન્દ્રનગરમાં કલેક્ટરના બંગલાની અંદર ED દ્વારા સર્ચ ઓપરેશન

ED IN COLLECTOR RESIDENT : સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી ઉચ્ચ તપાસ એજન્સી દ્વારા મોટા પાયે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે જિલ્લા કલેક્ટર તેમજ નાયબ મામલતદારના નિવાસસ્થાનો સહિત અલગ અલગ સાતથી આઠ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે.
વઢવાણ અને સુરેન્દ્રનગર – એમ બે મુખ્ય વિસ્તારોમાં તપાસ ચાલી રહી છે. તપાસ માટે 8થી વધુ સરકારી વાહનો પોલીસના કડક બંદોબસ્ત સાથે વહેલી સવારથી પહોંચી ગયા હતા, જેના કારણે શહેર અને જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. એક ટીમ જિલ્લા કલેક્ટરના બંગલે તપાસ કરી રહી છે, જ્યારે બીજી ટીમ વઢવાણના રાવળવાસ વિસ્તારમાં નાયબ મામલતદારના નિવાસસ્થાને તપાસમાં વ્યસ્ત છે.
હાલ સુધી તપાસ કયા મુદ્દે હાથ ધરવામાં આવી છે તે અંગે અધિકૃત રીતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. તપાસનું કારણ સંપૂર્ણપણે અકબંધ રાખવામાં આવ્યું છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી આર્થિક વ્યવહારો, બેનામી સંપત્તિ તથા શંકાસ્પદ નાણાકીય લેવડદેવડ સાથે સંકળાયેલી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
તપાસ પૂર્ણ થયા બાદ બેનામી મિલકતો, રોકડ વ્યવહારો અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો સંબંધિત મોટા ખુલાસા થવાની શક્યતા છે. ઉચ્ચ એજન્સીની આ અચાનક કાર્યવાહીથી સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
ED IN COLLECTOR RESIDENT : આ મામલે અધિકૃત નિવેદન આવવાનું બાકી છે, પરંતુ તપાસની ગંભીરતા જોતા આગામી સમયમાં મોટા રાજકીય અને વહીવટી સ્તરે અસર પાડતા ખુલાસાઓ સામે આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.