
મૂળ વડાલા (તા. મુન્દ્રા)ના તથા હાલ હૈદરાબાદ નિવાસી પ્રીતિબેન ગાલાએ સંસાર ત્યાગ કરી સંયમ માર્ગ અપનાવ્યો દીક્ષા બાદ પ્રીતિબેન બન્યા પુન્યવિબાઈ મહાસતીજી
મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામે તા. ૧૪-૧૨ (રવિવાર)ના રોજ કાંડાગરા આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે દીક્ષા મહોત્સવ ભાવભેર અને ઉલ્લાસપૂર્વક સંપન્ન થયો હતો.
કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદમુનિ મહારાજ સાહેબ, તેમના શિષ્યરત્ન પરમ પૂજ્ય સમર્પણમુનિ મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય સદગુણાબાઈ મહાસતીજી અને પરમ પૂજ્ય દેશનાબાઈ મહાસતીજીની પાવન નિશ્રામાં, મૂળ વડાલા (તા. મુન્દ્રા)ના અને હાલ હૈદરાબાદ નિવાસી શ્રીમતી નિશાબેન હરીશભાઈ ગાલાની કુળદીપિકા મુમુક્ષુ પ્રીતિબેન હરીશભાઈ ગાલા (ઉંમર વર્ષ ૩૬)એ સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરીને દીક્ષા અંગીકાર કરી હતી.
દીક્ષા બાદ મુમુક્ષુ પ્રીતિબેન ગાલા “પુન્યવિબાઈ મહાસતીજી” તરીકે ઓળખાયા હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પાવન પ્રસંગે દીક્ષાર્થીના કુટુંબીજનો સર્વશ્રી સોનલબેન કારાણી, રવિલાલભાઈ કારાણી સહિત કાંડાગરા તથા આસપાસના જૈન સંઘોના અગ્રણીઓમાં અચલગચ્છ જૈન સંઘના હેમચંદભાઈ પોલડીયા, નાનીપક્ષ જૈન સંઘના રસિકભાઈ છેડા, રમેશભાઈ છેડા, મોટીપક્ષ જૈન સંઘના રમણીકભાઈ છેડા, ભાઈલાલભાઈ ગોગરી, હસમુખભાઈ દેઢીયા, કિશોરભાઈ ગાલા તેમજ પાંજરાપોળના ધીરજભાઈ ગાલા સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.