RELIEF PACKAGE PORTEL : આજથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર 15 દિવસ સુધી 5 જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો અરજી કરી શકશે.

RELIEF PACKAGE PORTEL : ગુજરાતમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. આ નુકસાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા રૂ. 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અરજી કરી શકે તે માટે આજ તા. 11 નવેમ્બરથી આગામી 15 દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ગામના VCE/VLEના માધ્યમથી સમયમર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

અગાઉ રાજ્ય સરકારે ભારે વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતોને મોટી રાહત આપતો ₹947 કરોડનો કૃષિ રાહત પેકેજ-2025નો સત્તાવાર ઠરાવ જાહેર કર્યો હતો. કૃષિમંત્રી જીતુ વાઘાણીની 20 ઓક્ટોબરની જાહેરાતને અમલમાં મૂકતો આ ઠરાવ જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને બનાસકાંઠાના વાવ-થરાદ સહિત 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામોના ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડશે, ખાસ કરીને વાવ-થરાદ અને પાટણના ખેડૂતોને હેક્ટરદીઠ ₹20,000ની વિશેષ સહાય મળશે, જે સામાન્ય પાક નુકસાની સહાય ઉપરાંત આપવામાં આવશે.
ખરીફમાં વાવેતર કરાયેલા દીવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી અને શાકભાજી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ઉપરાંત કઠોળ અને દાડમ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોને પણ અસર પહોંચી હતી. સરકારના સર્વે મુજબ આ 800 ગામોમાં ખેડૂતોને મોટાપાયે નુકસાન સહન કરવું પડ્યું હતું. હવે સરકારે આ અંગેનો સત્તાવાર ઠરાવ જાહેર કરતા ખેડૂતો માટે સહાયની પ્રક્રિયા શરૂ કરી છે. ખાસ કરીને વાવ-થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 20 હજારની વિશેષ સહાય આપવામાં આવશે.
આ સહાય ખેડૂતોને પાક નુકસાનીની સામાન્ય સહાય ઉપરાંત મળશે. સરકારના ઠરાવ મુજબ, દરેક ખેડૂતને ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.
વાવ-થરાદ અને પાટણ જિલ્લાના તેવા ખેડૂતો, જેમના ખેતરોમાં હજુ પાણી ભરાયેલા હોવાથી તેઓ શિયાળુ પાક લઈ શકતા નથી, તેમને આ વિશેષ સહાય આપવામાં આવશે. 1લી નવેમ્બર, 2025 સુધી જેમના ખેતરમાં પાણી ભરાયેલું હશે એવા ખેડૂતોને પણ આ સહાયનો લાભ મળશે.
રાજ્ય સરકારે ઠરાવ બહાર પાડતા ખેડૂતોમાં આનંદનું વાતાવરણ જોવા મળ્યું છે. ઘણા ખેડૂતો લાંબા સમયથી આ રાહત પેકેજના અમલની રાહ જોઈ રહ્યા હતા. હવે સરકાર દ્વારા ઠરાવ જાહેર થતાં સહાયની રકમ વહેલી તકે ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે.