DISCO DANDIA PROTEST BY PATIDAR SAMAJ : મોરબીમાં અર્વાચિન દાંડિયા ક્લાસિસમાં વલ્ગારિટી ફેલાતી હોવાનો પાટીદાર સમાજનો દાવો, મોરબીના પાટીદારો મેદાનમાં

DISCO DANDIA PROTEST BY PATIDAR SAMAJ : મોરબીમાં ચાલતા અર્વાચિન દાંડિયા ક્લાસિસમાં વલ્ગારિટી ફેલાતી હોવાનો અને પાટીદાર સમાજ સહિતના સમાજની દીકરીઓને બ્લેકમેઈલ કરાતી હોવાના પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપ કરાયા છે. આ કથિત દૂષણના વિરોધમાં શનિવારે રાત્રે મોરબીમાં ‘જન ક્રાંતિ સભા’નું આયોજન કરાયું હતું. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા સહિતના પાટીદાર અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભાના માધ્યમથી 20 હજાર પાટીદારોએ આગામી સમયમાં અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસમાં ન જોડાવવા માટે પ્રતિજ્ઞા લીધી છે.

જન ક્રાંતિ સભામાં સામેલ થયેલા પાટીદાર આગેવાન મનોજ પનારાએ કહ્યું હતું કે, પાટીદાર હવે ફરિયાદી નહીં પણ આરોપી પણ બનવા તૈયાર છે.
ડિસ્કો દાંડિયા ક્લાસિસમાં ફિલ્મી અને લવ સોંગ્સ પર દાંડિયા શીખવવામાં આવે છે, જે અશ્લીલતાને પ્રોત્સાહન આપે છે. આના કારણે ઘણી દીકરીઓ અસામાજિકતત્વોના સંપર્કમાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં, ખાસ કરીને મોરબીમાં, યુવતીઓને બ્લેકમેલ કરવાના કિસ્સાઓ વધ્યા છે. આવા દૂષણોને રોકવા માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટીદાર યુવા સેવા સંઘના પ્રણેતા મનોજ પનારાએ જણાવ્યું કે, જો વાત પાટીદાર સમાજની દીકરીઓ કે આગેવાનોની આબરૂ ઉપર આવશે તો હવે અમે ફરિયાદી નહીં, પરંતુ આરોપી બનતા પણ અચકાશું નહીં. તેમણે કહ્યું કે, ડિસ્કો દાંડિયા ક્લાસિસની આડમાં લુખ્ખાતત્વો દીકરીઓને ટાર્ગેટ કરીને બ્લેકમેલ કરીને કરોડો રૂપિયા પડાવવામાં આવે છે. આવા તત્વોને નાથવા માટે સમાજ હવે લડી લેવા તૈયાર છે.
મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું કે, ગરબી કે ગરબાનો પાટીદાર સમાજ વિરોધ કરતો નથી. તેમણે જાહેરાત કરી કે, યુવતીઓને આપણી સંસ્કૃતિ મુજબના ગરબા શીખવવા માટે મોરબીની કન્યા છાત્રાલય ખાતે ક્લાસિસ શરૂ કરવામાં આવશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે, મોરબીમાં અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસિસ ચલાવવા દેવામાં આવશે નહીં.

આ સભામાં પાટીદાર સમાજની યુવતીઓ સહિત સૌએ સંકલ્પ લીધો કે, તેઓ એકપણ ડિસ્કો દાંડિયા ક્લાસિસમાં જશે નહીં, પરંતુ અર્વાચીન દાંડિયા રાસને પ્રોત્સાહન આપશે. આ નિર્ણયને સમગ્ર ગુજરાતમાં ફેલાવવાનો હેતુ છે, જેથી અનેક દીકરીઓ અને પરિવારો બરબાદ થતા બચી જાય.
તાજેતરમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો અને પાટીદાર સમાજના આગેવાનોએ ગાંધી ચિંધ્યા માર્ગે ડિસ્કો દાંડિયા ક્લાસિસ બંધ કરાવવા પ્રયાસ કર્યો હતો. જો કે, બીજા જ દિવસે ક્લાસિસના સંચાલકોએ ઉદ્યોગકારોને અસામાજિકતત્વો ગણાવીને કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું હતું, જેના કારણે પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આ જન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.