પંચમહાલમાં છોકરીને મળવા આવેલા 2 યુવકોને ઝાડ સાથે બાંધીને તાલીબાની સજા

પંચમહાલના શહેરા તાલુકાના તાડવા ગામે મીઠાપુરના બે યુવક છોકરીઓને મળવા આવતાં પકડાઇ ગયા હતાં. એની જાણ ગામના યુવાનોને થતાં તેમણે બંને યુવકને પકડીને ઝાડ સાથે બાંધી દીધા હતા તેમજ તેમને લાકડીઓના ફટકા મારતા હોવાનો વીડિયો વાઇરલ થતો હતો. આ સમગ્ર મામલે પોલીસે 10 આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરા તાલુકાના તાડવા ગામમાં મીઠાપુરના બે યુવાનને ઝાડ સાથે બાંધી લાકડાના દંડાથી માર મારતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં બે છોકરીને પણ આ ગામના યુવકો દ્વારા લાકડીના ફટકા મારવામાં આવી રહ્યા હતા. ગામની છોકરીઓને મળવા આવેલા બે યુવક પકડાઈ જતાં બંનેને ગ્રામજનોએ ઝાડ સાથે બાંધી દીધા હતા તેમજ તેમને માર મારવામાં આવ્યો હતો. વીડિયોમાં ગ્રામજનો બોલતાં હતાં કે દશામાના વ્રતમાં આવું કામ કરો છો? એમ કહીને દંડાથી યુવકોને મારતા હતા, જ્યારે આસપાસના લોકો એનો વીડિયો ઉતારતા પણ જણાય છે.
બીજી તરફ, ગામની મહિલાઓ તેમને બચાવવા માટે આજીજી કરતા કહેતી હતી કે દશામાનું વ્રત કરેલું હોવાથી ના મારશો, નહીં તો માતાજીનું અપમાન થશે, પાપ લાગશે એમ કહીને કાયદાને સોંપી દો એમ કહેતી હતી. તેમ છતાં બે યુવકનો આજે તો ભુક્કા બોલાવી દેવાના છે એમ કહીને માર મારવામાં આવી રહ્યો હતો.

નિર્દય બનીને કાયદો હાથમાં લઇને બેફામ બનેલા ગામના યુવકો દ્વારા બે છોકરાને તો બાંધીને માર્યા હતા, પણ છોકરીઓને પણ લાકડાના ફટકા મારતા હતા, જેથી બંને છોકરી મારથી બચવા પોતાના પરિવારના સભ્ય પાછળ સંતાઇ ગઈ હતી. વાઇરલ વીડિયો શહેરા પોલીસ પાસે પહોંચ્યો હતો અને તેણે વીડિયોના આધારે 10 આરોપીની અટકાયત કરી છે.

પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમો 127(2), 137(2), 189(2), 190, 191(3), 115(2), 352, 351(2) તથા જી.પી. એકટ કલમ 135 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનામાં વપરાયેલી ઇકો ગાડી પણ કબજે કરી છે.