SEND MINING RAID : ફ્લાઇંગ સ્ક્વોડે નખત્રાણાના દેવીસર ગામે નદી પટમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા 3 વાહનો જપ્ત કર્યાં

મોડી રાત્રે મળેલી બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડે નખત્રાણા તાલુકાના દેવીસર ગામના નદીપટ્ટ વિસ્તારમાં ખાનગી વાહનથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નદીપટ્ટમાં એક લોડર મશીન દ્વારા સાદી રેતીનું ખનન થતું જોવા મળ્યું હતું. સાથે જ બે ડમ્પરમાં રેતી ભરાયેલી હાલતમાં મળી આવી હતી.
ફ્લાઈંગ સ્કોડની ટીમે સ્થળ પર રેતી ખનન અને વહન માટેની પરવાનગીની તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આ સ્થળે કોઈપણ પ્રકારની પરવાનગી વગર સાદી રેતીનું ખનન અને વહન થઈ રહ્યું હતું. આ બાબતે તપાસ ટીમે સ્થળ પર હાજર તમામ વાહનોને સીઝ કરી દીધા હતા. જપ્ત કરાયેલા વાહનોને નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન પકડાયેલ એક લોડર મશીન અને બે ડમ્પર મળી કુલ 50 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડે જણાવ્યું છે કે આ મામલે નિયમ અનુસારની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે.