ચોમાસામાં વધતા રોગચાળાને નાથવા રાપર નગરપાલિકા દ્વારા ફોગિંગ અભિયાન શરૂ

ચોમાસાની ઋતુમાં શરદી, તાવ, ઉધરસ અને ખંજવાળ જેવા રોગોના લક્ષણો વધી રહ્યા છે. આ રોગચાળાને નિયંત્રિત કરવા માટે રાપર નગરપાલિકાએ ત્વરિત પગલાં લીધા છે. નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીના નેતૃત્વમાં શહેરની મુખ્ય બજાર અને ગલીઓમાં મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

વાહનો દ્વારા ફોગિંગ મશીન મારફતે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પ્રમુખ અને ચીફ ઓફિસરે જણાવ્યું કે વાદળછાયા વાતાવરણમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. શહેરની ગલીઓ અને બજારોમાં પાણીના ખાબોચિયાંમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવશે.

નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં ક્રમ અનુસાર આ કામગીરી હાથ ધરવામાં આવશે. આ પગલાંથી મચ્છરજન્ય રોગોને અટકાવવામાં મદદ મળશે અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા થશે.