અમદાવાદ-મોડાસાથી ઝડપાયેલા 4 આતંકીને માર્ગદર્શન આપતી શમા પરવીન અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ બેંગલુરુથી ઝડપાઈ.

ગત 23 જુલાઈ 2025ના રોજ ગુજરાત ATSએ અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલકાયદાના ચાર આતંકીની ધરપકડ કરી હતી. હવે આ ચાર આતંકીનાં જૂથની માસ્ટરમાઇન્ડ એવી બેંગલુરુની શમા પરવીનની ATSએ ધરપકડ કરી છે. અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર મહિલા આતંકવાદી સંગઠનના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં ભારતમાંથી આ જ યુવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
શમા પરવીન અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ : આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવું અને કેવી પ્રવૃત્તિ કરવી એ શમા પરવીન નક્કી કરતી હતી. અગાઉ પકડાયેલા ચાર આતંકી પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા. વિચારધારાનો પ્રચાર-પ્રસાર કેવી રીતે કરવો એ પણ પોતે જ નક્કી કરતી હતી. બીકોમ સુધીનો અભ્યાસ કરનારી શમાની અલગ અલગ ચેટ પણ મળી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. તે ઘરમાં પોતાના રૂમમાં એકલી રહેતી હતી. તે માં-બાપ અને ભાઈ સાથે રહેતી હતી. તેમજ પાકિસ્તાનના સંપર્ક નંબરો પણ મળ્યા છે.
શમાનો મોબાઇલ અને અન્ય ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કબજે કરવામાં આવ્યાં છે. તેના મોબાઇલમાંથી 3 સોશિયલ મીડિયા એકાઉન્ટ મળ્યાં છે. એમાં અનેક લોકો આ વિચારધારાના હોવાનું નક્કી થયા બાદ તેને જોડવાની કામગીરી કરતી હતી. આ ગ્રુપમાં પણ શમા પરવીન એડ કરવાનો નિર્ણય લેતી હતી. માત્ર એટલું જ નહીં, ગ્રુપની ગતિવિધિ અને આગળની કામગીરી નક્કી કરતી હતી. મહિલા સંગઠન ચલાવતી હોવાનું ઓછા કિસ્સામાં સામે આવ્યું છે.
30 વર્ષીય શમા પરવીન મૂળ ઝારખંડની રહેવાસી છે અને બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા ભાઈ સાથે રહેતી હતી. હાલમાં આરોપી શમાને પૂછપરછ માટે ATS કસ્ટડીમાં રાખવામાં આવી છે અને વધુ વિગતો મળવાની રાહ જોવાઈ રહી છે.
આ અંગે ATS ડીઆઈજી સુનિલ જોષીએ જણાવ્યું કે,અગાઉ પકડાયેલ ચાર આતંકીની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા મહિલા આતંકી નામ સામે આવ્યું હતું. મહિલા પાકિસ્તાન કનેક્શન સાથે જોડાયેલી હોવાનું પણ જાણવા મળતા તપાસ શરૂ કરી હતી. દિલ્હીના મોહંમ્મદ ફૈકના સંપર્કમાં હતી. જેથી સ્ટ્રેન્જર નેશન-2 નામના એકાઉન્ટની અમે તપાસ કરી હતી. તેમજ અન્ય ફેસબુક પેજ પણ મળ્યા હતા. આ નામનું ઇન્સ્ટા એકાઉન્ટ ખૂબ પ્રખ્યાત હતું. આ એકાઉન્ટ કોનું છે તે અંગે તપાસ કરી તો શમા પરવીનનું નામ સામે આવ્યું હતું.ત્યાર બાદ અધિકારીઓની એક ટેકનિકલ ટીમ બનાવવામાં આવી હતી.

આ ટીમને બેંગલુરુ મોકલવામાં આવી હતી. જ્યાં કેન્દ્રીય એજન્સીઝની મદદ લેવામાં આવી હતી. આરોપીને તેના ઘરેથી જ ડિટેઇન કરી હતી. આરોપીના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવીને તેને અહીં લાવવામાં આવી છે. તેની પાસેથી મોબાઈલ અને લેપટોપ મળ્યા છે. જેને FSLમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમજ સોશિયલ મીડિયાના 3 એકાઉન્ટ મળ્યા છે. દરેક એકાઉન્ટ પર 10 હજારથી વધુ ફોલોઅર્સ છે. ત્રણેય એકાઉન્ટની લિંક શમા પરવીન સુધી પહોંચી હતી. સોશિયલ મીડિયામાં જેહાદી પ્રવચનો મૂકવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં આ એકાઉન્ટ પોતે જ હેન્ડલ કરતી હતી. તેમજ પૂછપરછમાં ઘણા બધા પાકિસ્તાનના સંપર્ક નંબરો મળ્યા છે. અન્ય દેશો સાથે પણ વાતચીત થઈ છે. મહિલા અન્ય કેટલા લોકોના સંપર્કમાં છે. તેના શું ઇરાદાઓ હતા તે તમામ મુદે અમે પૂછપરછ કરીશું.
AQIS (અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા.સોશિયલ મીડિયામાં એકબીજા સાથે જેહાદ અને શરિયતને લઈને અન્ય લોકોને આકર્ષવા માટે પ્રયાસ કરતાં હતાં.
શમા પરવીન કેટલાક લોકોને સોશિયલ મીડિયામાં પોતાની વાત કહેતી હતી, તેને પોતાના સંગઠનમાં જોડીને કોઈ મોટા ષડયંત્રનો પ્લાન ઘડવા માટે તૈયારી કરતી હોવાની વિગત પણ ગુજરાત એટીએસને મળી છે, પરંતુ તેની ટુકડીના ચાર લોકો પહેલાંથી પકડાઈ ગયા અને એના આધારે આ યુવતીને ગુજરાત એટીએસે બેંગલુરુથી ઝડપી લીધી છે. આ બધા એકસાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કનેક્ટ હતાં અને તેઓ આ બાબતે તપાસ દરમિયાન મહત્ત્વની કડી ગુજરાત એટીએસને મળી છે.
23 જુલાઈએ ઝડપાયેલા ચાર આતંકીમાં બે અમદાવાદ અને મોડાસાના, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા.

- મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાન (રહે. ફરાસખાના, દિલ્હી)
- મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ (રહે. ફતેહવાડી, અમદાવાદ)
- સેફુલ્લા કુરેશી મહમદ રફીક (રહે. ભોઇવાડા, મોડાસા)
- ઝીશાન અલી આસિફ અલી (રહે. સેક્ટર 63, નોઈડા)
માત્ર એટલું જ નહીં, તેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ મળી હતી. ગુજરાત ATSએ દિલ્હી, ગુજરાતમાં અરવલ્લી અને ઉત્તરપ્રદેશમાં સક્રિય થયેલી આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો પર બાજનજર રાખી હતી. તેઓ લાંબા સમયથી એટીએસની રડારમાં હતા. તપાસ દરમિયાન ગુજરાતના અરવલ્લીમાંથી બે અને દિલ્હીના નોઈડા અને ઉત્તરપ્રદેશથી એક-એક શખસને ઝડપી પાડવામાં આવ્યા છે.
ATSએ સૌથી પહેલા ફતેવાડીના ગુલમહોર ટેનામેન્ટમાં રહેતા મોહંમદ ફરદીન મોહંમદ રઈસ શેખની ધરપકડ કરી હતી. તેની પાસેથી ઓપરેશન સિંદૂર દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર ઉશ્કેરણી કરતું સાહિત્ય મળ્યું હતું. મોહંમદ ફરદીન પાસેથી અન્ય ઇન્સ્ટા એકાઉન્ટધારકો વિશે માહિતી એકત્રિત કરી હતી. એના આધારે મોડાસાના વિનાયક સિનેમા ભોઈવાડા ખટીકવાડામાં રહેતા સૈફુલ્લાહ કુરેશી મોહંમદ રફીકની પણ ધરપકડ કરાઈ હતી.