AHMEDABAD SUBMERGED IN WATER : અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ વિસ્તાર પાણીમાં ડૂબ્યો, 5 ઇંચ વરસાદે AMCના દાવા ખોટા પાડ્યા.

AHMEDABAD SUBMERGED IN WATER : રાજ્યના હવામાન વિભાગ દ્વારા 27 અને 28 જુલાઈ એમ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે 27 જુલાઈ (રવિવારે) અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં વટવા, જશોદાનગર, મણિનગર, ત્રિકમપૂરા, સીટીએમ, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તારોમાં પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.
AHMEDABAD SUBMERGED IN WATER : ભારે વરસાદના પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. પૂર્વ વિસ્તારના જશોદાનગર, સીટીએમ, હાટકેશ્વર અને મણિનગર વિસ્તારના હાલ બેહાલની બની ગયા હતા. લોકોના ઘરો, દુકાનો અને હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

AHMEDABAD SUBMERGED IN WATER : શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, રામોલ-હાથીજણ, ઓઢવ અને વસ્ત્રાલ વોર્ડના 5 લાખ શહેરીજનોને વરસાદી પાણી અને ગટર ઉભરાવવાની સમસ્યામાંથી મુક્તિ મળે તેના માટે રૂ. 81.40 કરોડના ખર્ચે ઇસ્ટર્ન મેઈન ટ્રંક લાઈનનું 22 જુલાઈના રોજ રાજ્યના આરોગ્ય અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મેયર પ્રતિભા જૈન સહિતના પદાધિકારીઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ લાઈન નાખવાના કારણે પૂર્વ વિસ્તારમાં રહેતા નાગરિકોને વરસાદી પાણી અને ગટર ઉભરાવવાની સમસ્યામાંથી મુક્તિ મળશે એવો દાવો કરાયો હતો. જોકે, આજરોજ રામોલ હાથીજણ, વસ્ત્રાલ અને ઓઢવ વિસ્તારોમાં પડેલા વરસાદે ભાજપના નેતાઓના દાવાની પોલ ખોલી દીધી છે. ઠેર-ઠેર ગટરના પાણી બેક માર્યા હતા ક્યાંય પણ વરસાદી પાણીનો ઝડપી નિકાલ થયો નહોતો.

AHMEDABAD SUBMERGED IN WATER : વરસાદી માહોલમાં પડતી હાલાકીને લઈને વસ્ત્રાલમાં રહેતા ધવલ શર્માએ જણાવ્યું કે, “દર વર્ષે આ જ રીતે પાણી ભરાઈ જાય છે, અમને આવા જવામાં તકલીફ પડે છે. એ સિવાય ખાડાઓ પણ પડેલા છે, પરંતુ કોર્પોરેશન આ ખાડાઓને પૂરતી નથી. AMC કોઈપણ જાતની તસ્દી લેતી નથી. ચારેય તરફ માટી છે.
લોકોને તકલીફ પડે છે. ઘણા બધા અકસ્માત પણ થાય છે અને અત્યારે પરિસ્થિતિ પ્રમાણે ચારેય તરફ પાણી ભરાઈ જાય છે. લોકોને અવરજવરમાં અને વાહન ચલાવવામાં પણ તકલીફ પડી રહી છે. લોકોને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જવા માટે પણ તકલીફ ઊભી થાય છે. કોર્પોરેશનને વિનંતી છે કે મહેરબાની કરીને આ ભરાયેલા પાણીનું નિરાકરણ લાવે, જેથી અવરજવર માટે લોકોને મુશ્કેલી ન થાય.”
AHMEDABAD SUBMERGED IN WATER : અન્ય સ્થાનિક નીલપાલસિંહ ભાટીએ જણાવ્યું કે, “પૂર્વ વિસ્તારમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અને ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. સરકાર અને AMC કોઈ નિકાલ લાવતી નથી. કેટલાય લોકોએ અરજી આપી છે, પરંતુ અરજીનો પણ સ્વીકાર કરતા નથી. રોડ રસ્તા પણ લગભગ બાર મહિનાથી ખોદેલા પડ્યા છે. ગટર લાઈનનું કામ પણ પૂરું થતું નથી. અને લોકો પરેશાન થઈ રહ્યા છે, દર વર્ષે લોકોને પરેશાની ઉઠાવવી પડે છે.”

AHMEDABAD SUBMERGED IN WATER : વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ જણાવ્યું હતું કે, પૂર્વ વિસ્તારમાં નાખેલી ઇસ્ટર્ન મેઇન ટ્રંક લાઈનનું કામ પૂરું કરીને લોકાર્પણ કરવામાં આવ્યું છે પરંતુ, તેમાં ગટર લાઈનનું જ કામ થયું છે. સ્ટ્રોમ વોટર એટલે કે વરસાદી પાણીના નિકાલ માટેની લાઇનની કામગીરી હજી ચાલી રહી છે, જેથી આ વિસ્તારના નાગરિકોને ગટર ઉભરાવવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. જોકે, વરસાદી પાણીના નિકાલ માટે હજી થોડો સમય લાગશે.
શહેરના રામોલ હાથીજણ જશોદાનગર સહિતના વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીને લઈને તેઓએ કહ્યું હતું કે, લાઈન નાખવામાં આવી છે અને કામ ચાલુ છે. બધી જગ્યાએ કામ ચાલુ હોવાના તેઓએ દાવા કર્યા હતા. નિકોલના મધુમાલતી વિસ્તારમાં પણ વરસાદી પાણીનો નિકાલ ઝડપી થશે એવું કહ્યું હતું.
AHMEDABAD SUBMERGED IN WATER : સવારે પડેલા ભારે વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની પોલ ખોલી નાખી હતી. શહેરના રામોલ હાથીજણ અને ઇન્દ્રપુરી વોર્ડમાં આવતા જશોદાનગર અને ત્રિકમપુરા સહિતના વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ભાઈપુરા-હાટકેશ્વર અને ખોખરા વોર્ડમાં સોસાયટીઓ લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા.
જશોદાનગર વિસ્તારમાં બોમ્બે કંડકટર રોડ ઉપર આખો રોડ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સમીર હોટલથી પુનિત નગર તરફ જવાના રોડ ઉપર આવેલી વિમલા હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. હોસ્પિટલમાં પાણી ન જાય તેના માટે થઈને ત્યાં ઈંટનો પાળો પણ બનાવવામાં આવેલો હતો તેમછતાં પણ પાણી હોસ્પિટલમાં ઘૂસી ગયા હતા ડોક્ટરની ચેમ્બર અને વોર્ડમાં પાણી ભરાયા હતા.
AHMEDABAD SUBMERGED IN WATER : જશોદાનગર રોડ ઉપર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હોય એવી સ્થિતિ સર્જાઇ હતી. સમીર હોટેલ તરફ બોમ્બે કંડકટર રોડ ઉપર 40થી વધારે દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળી જગ્યા અને ખૂબ વધુ પાણી હોવાના કારણે થઈને લોકોના ઘર-દુકાનોમાં પાણી ભરાઈ જતા તેઓને પાણી ઉલેચવાની સ્થિતિ સામે આવી હતી. ખોખરા વોર્ડમાં આવેલા સર્વોદય નગરમાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયેલા જોવા મળ્યા હતા. લોકોનો સામાન પલળી ગયો હતો અને તેમને પાણી બહાર કાઢવું પડ્યું હતું..
મણિનગર વિસ્તારમાં આવેલા ગુરુજી બ્રિજ નીચે સુવિધા પાર્ક સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ગુરુજી બ્રિજ નીચે આવેલા પંપીંગ સ્ટેશનના કેટલાક પંપો કામ ન કરતા હોવાના કારણે થઈને આ સોસાયટીમાં પાણી ભરાયેલું રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બે કલાક સુધી વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નહોતો, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી હતી. એક તરફ સતત વરસાદ અને બીજી તરફ પાણી ભરાયેલું હોવાના કારણે લોકો અને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

AHMEDABAD SUBMERGED IN WATER : શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ રીંગરોડ ઉપર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. એક તરફ રીંગરોડ ઉપર ત્રણ જગ્યાએ બ્રિજની કામગીરી ચાલી રહી છે. નિકોલ કઠવાડા નજીક સર્વિસ રોડ અને મુખ્ય રોડ ઉપર પાણી ભરાયું હોવાના કારણે થઈને લાંબો ટ્રાફિકજામ પણ સર્જાયો હતો, જેના કારણે થઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકો 30થી 40 મિનિટ સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા હતા. પૂર્વ વિસ્તારમાં જો એકથી બે ઇંચ જેટલો વરસાદ પડે તો રીંગરોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે અને તેની સીધી અસર વાહન વ્યવહાર પર થાય છે.
નિકોલ વિસ્તારમાં વહેલી સવારથી વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના પરિણામે અનેક વાહનો અને બાઈક પાણીમાં ફસાઈ ગયા. ખાસ કરીને એક કાર કાદવમાં ફસાઈ જતાં ટ્રાફિક વધુ ગંભીર બન્યો અને અવરજવર કરતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તદુપરાંત વસ્ત્રાલ ગામના મેટ્રો સ્ટેશન નીચે તેમજ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી હતી.
AHMEDABAD SUBMERGED IN WATER : માત્ર પૂર્વ જ નહીં પરંતુ પશ્ચિમ વિસ્તારમાં પણ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જોધપુર, શ્યામલ, સેટેલાઈટ, પ્રહલાદનગર, આનંદનગર, નેહરુનગર, વાસણા, પાલડી, આશ્રમરોડ જમાલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદન નગર અને સોનલ સિનેમા રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા શ્રીનગર વિસ્તારમાં દર વર્ષે શ્રી નંદનગર સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનો સુધી પાણી પહોંચી જતું હોય છે. જેના કારણે થઈને પણ લોકોને સામનો કરવો પડયો હતો.