FORMER BJP CORPORATOR UNIQUE PROTEST : પૂર્વ કોર્પોરેટરે દુકાને-દુકાને ભીખ માંગીને, રસ્તાઓ પર પડેલા ખાડા જાતે જ પૂરી દીધા.

FORMER BJP CORPORATOR UNIQUE PROTEST : રાજ્યમાં મે મહિનાથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. ભારેથી અતિભારે વરસાદને પગલે અનેક જગ્યાએ રોડ-રસ્તા ધોવાયા હોવાનું સામે આવ્યું. જેમાં વરસાદી સિઝનમાં રાજ્યભરના રસ્તાઓની બિસ્માર હાલત કોઈનાથી છૂપી નથી,
ત્યારે સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. જેમાં સરકારી તંત્રની ઉદાસીનતા સામે જગદીશ ઠાકોર નામના આ પૂર્વ કોર્પોરેટરે દુકાને-દુકાને ભીખ માંગીને પૈસા ભેગા કર્યા અને તેમાંથી શહેરના રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડા જાતે જ પૂરી દીધા.

વરસાદી સિઝન દરમિયાન સાવરકુંડલા શહેરના અનેક માર્ગો પર મોટા ખાડા પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ખાડાઓને કારણે અકસ્માતોનું જોખમ પણ વધી ગયું હતું.
શહેરના સ્થાનિકો દ્વારા આ રસ્તાઓના ખાડા બુરવા માટે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

જ્યારે લોકોની રજૂઆતોને ઘોળીને પીવામાં આવી, ત્યારે ભાજપના જ પૂર્વ કોર્પોરેટર જગદીશ ઠાકોર લોકોની મુશ્કેલીઓ જોઈને મેદાને પડ્યા. તેમણે તંત્રની નિષ્ફળતા અને બેદરકારી સામે અનોખો વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું. તેમણે શહેરભરમાં, દુકાને દુકાને ફરીને, લોકો પાસેથી “રૂપિયો-રૂપિયો” ઉઘરાવીને ફંડ ભેગું કરવાનું શરૂ કર્યું.
આ રીતે ભેગા થયેલા પૈસાનો ઉપયોગ તેમણે રસ્તાના ખાડા બુરવા માટે કર્યો. તેમણે જાતે જ શ્રમદાન કરીને, આ ઉઘરાવેલા પૈસાથી સામગ્રી ખરીદી અને શહેરના રોડ પરના ખાડાઓ પૂરી દીધા.
FORMER BJP CORPORATOR UNIQUE PROTEST : ભાજપના જ પૂર્વ સદસ્ય દ્વારા ભાજપ શાસિત સ્થાનિક તંત્ર સામે કરવામાં આવેલો આ વિરોધ ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ, આ ઘટના તંત્રની નિષ્ફળતાને ઉજાગર કરે છે કે સામાન્ય નાગરિકોને પોતાના જ ટેક્સના પૈસામાંથી મળતી સુવિધા માટે ભીખ માંગવી પડે છે.
બીજી તરફ, આ ઘટના દર્શાવે છે કે જ્યારે તંત્ર નિષ્ક્રિય બને છે, ત્યારે સામાન્ય જનતામાંથી જ કોઈ ને કોઈ આગળ આવીને સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરે છે. જગદીશ ઠાકોરનો આ અનોખો વિરોધ તંત્રને વિચારવા મજબૂર કરશે કે નહીં તે પણ એક સવાલ છે.