SALAYA FISHERMAN FACING RISK IN FISHING : સલાયા વિસ્તારમાં દરિયાઈ ધોવાણનો ગંભીર ખતરો ઉભો થતા માછીમારોની આજીવિકા પર જોખમ

માંડવીના કાશી વિશ્વનાથ વિસ્તારમાં દરિયાઈ ધોવાણનો ગંભીર ખતરો ઉભો થતા એક સમય રોડ થી 30 મીટર દૂર દરિયો હતો જે આજે રોડ નજીક આવી જતાં ખતરાની ઘંટડી વાગતી હોવાથી ઉચિત પગલાં લેવા માટે માંડવીના ધારાસભ્ય સમક્ષ ખારવા સોસાયટી, વાગેર સોસાયટી, રજાક કોલોની, જહાજવાડો, બી.એસ.એફ. કચેરી, એજન્સી બંગલો અને કાશી વિશ્વનાથ મંદિર જેવા સ્થળોને દરિયાના ધોવાણથી તાત્કાલિક બચાવવાની અપીલ કરવામાં આવી હતી.

SALAYA FISHERMAN FACING RISK IN FISHING : રજૂઆતમાં જણાવાયું હતું કે, જહાજવાડો જેવા માછીમારોના ક્ષેત્રોમાં ફિશિંગ બોટ્સના લગાવ માટે અગત્યની જગ્યા ધોવાણના કારણે અસરગ્રસ્ત થઈ રહી છે. સ્મશાન અને કાશી વિશ્વનાથ મંદિર જેવા ધાર્મિક સ્થળોને પણ ભવિષ્યમાં નુકસાનની આશંકા છે તેમજ બી.એસ.એફ. કચેરી જે રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે, તેને પણ ખતરો ઊભો થયો છે. સ્થાનિક રહેવાસીઓના મતે, દરિયાઈ ધોવાણના કારણે પર પણ ગંભીર અસર થઈ રહી છે.
ખાસ કરીને માછીમારી આધારિત આજીવિકા પર જોખમ ઊભું થયું છે. દરિયાઈ રક્ષણ માટે સી વોલ બનાવવી, ધોવાણ થયેલી જમીન માટે બીચ રિપ્લેનિશમેન્ટ અને બ્રેકવોટરની રચના, વિસ્તારનું નિયમિત નિરીક્ષણ અને જાળવણી માટે માંગ કરવામાં આવી હતી. સલાયાના અગ્રણી કાસમ જાફરાબાદીએ રહેવાસીઓ વતી માંગ કરી હતી કે તાત્કાલિક સરકારી પ્રતિનિધિઓ સ્થળની મુલાકાત લે અને સત્વરે રક્ષણાત્મક કામગીરી શરૂ થાય.
આ અંગે ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ વહેલી તકે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને ઘટતું કરવાની હૈયાધારણ આપી હતી. ઇજનેરો દ્વારા સર્વે થયા બાદ પોતાની ગ્રાન્ટ આપવાની તૈયારી દર્શાવી હતી.