DOG ATTACK ON 2 MONTH CHILD : પોરબંદરના કોટડા ગામે 2 માસના બાળક પર 4 હિંસક કૂતરાએ હુમલો કરી ફાડી ખાતાં મોત.

DOG ATTACK ON 2 MONTH CHILD : પોરબંદરના કોટડા ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં ચાર હિંસક શ્વાનોએ ઘોડિયામાં સૂતેલા માત્ર બે માસના બાળક પર હુમલો કરી તેને ફાડી ખાતાં બાળકનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. બાળકનાં પરિવારજનોએ પોતાના એકના એક સંતાનને ગુમાવતાં ભારે આઘાતમાં સરી પડ્યા છે.

આ દુર્ઘટના મંગળવારે બપોરના સુમારે બની હતી. પોરબંદરના કોટડા ગામમાં મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતા મહેશ વાડકિયા અને તેમનો પરિવાર વાડી વિસ્તારમાં કામ કરી રહ્યો હતો. તેમનો માત્ર બે માસનો પુત્ર વિશાલ વાડીમાં એક ઘોડિયામાં સૂતો હતો. આ દરમિયાન અચાનક ચાર જેટલા રખડતા કૂતરાએ સૂતેલા બાળક પર હુમલો કર્યો.
બાળકના રડવાનો અવાજ સાંભળીને વાડીમાં કામ કરી રહેલા તેનાં માતા-પિતા દોડી આવ્યાં હતાં. તેમણે બાળકને કૂતરાના હુમલામાંથી છોડાવવાનો અને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ કમનસીબે ત્યાં સુધીમાં કૂતરાઓએ બાળકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી દીધી હતી.

DOG ATTACK ON 2 MONTH CHILD : ગંભીર રીતે ઘવાયેલા બાળક વિશાલને તાત્કાલિક પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરો દ્વારા બાળકને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ કૂતરાઓના હુમલામાં થયેલી ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન વિશાલનું કરુણ મોત નીપજ્યું હતું.
આ ઘટનાથી મહેશ વાડકિયાના શ્રમિક પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. પોતાના વહાલસોયા એકના એક માસૂમ બાળકને ગુમાવવાનું દુઃખ પરિવાર માટે અસહ્ય બની ગયું છે. સમગ્ર કોટડા ગામ અને આસપાસના વિસ્તારોમાં આ ઘટનાને પગલે શોકની ગાઢ લાગણી છવાઈ ગઈ છે.
બાળકના પિતા મહેશભાઈએ કહ્યું હતું કે છોકરો હીંચકામાં હતો ત્યારે અમે માંડવીમાં નિણતા (ખેતરમાં કામ કરતાં) હતા, ત્યારે કૂતરાએ છોકરા પર હુમલો કરી નાખ્યો. પછી અમે દોડીને ગયા. ચાર કૂતરા હતા. શેઠને ફોન કર્યો અને પછી એમ્બ્યુલન્સ આવી. હોસ્પિટલ લાવ્યા ત્યારે થોડીવાર હતો ને પછી પૂરું થઈ ગયું.
આ ઘટનાએ પોરબંદર શહેર અને જિલ્લામાં રખડતા કૂતરાઓના વધતા જતા ત્રાસની ગંભીર સમસ્યાને ફરી એકવાર પ્રકાશમાં લાવી છે. અવારનવાર રસ્તા પર કે રહેણાક વિસ્તારોમાં લોકો પર કૂતરાઓના હુમલાની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ આ ઘટનામાં એક માસૂમ બાળકનો ભોગ લેવાતાં લોકોમાં ભારે ચિંતા અને રોષ વ્યાપ્યો છે. સ્થાનિકની માગ છે કે તંત્ર દ્વારા રખડતા કૂતરાઓના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવે.