AHMEDABAD PLANE CRASH REPORT : અમદાવાદ વિમાન દુર્ઘટનાનો 2 દિવસ બાદ જાહેર કરાઈ શકે છે તપાસ રિપોર્ટ

AHMEDABAD PLANE CRASH REPORT : પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ મંત્રાયલની સંસદીય સ્થાયી સમિતિની બુધવારે (નવમી જુલાઈ) બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ના ડિરેક્ટર જનરલ જી.વી.જી. યુગંધરે સમિતિને જણાવ્યું હતું કે, ‘અમદાવાદ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક રિપોર્ટ થોડા દિવસોમાં જાહેર કરશે.’ જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ રિપોર્ટ 2 દિવસમાં જાહેર કરી શકાય છે.

આ પહેલા સમાચાર આવ્યા હતા કે AAIB એ કેન્દ્ર સરકારને પ્રાથમિક તપાસ રિપોર્ટ સુપરત કર્યો છે. આ અહેવાલ પ્રાથમિક તપાસ અને ટેકનિકલ વિશ્લેષણમાં મળેલા પુરાવાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જોકે, સૂત્રોએ કોઈપણ પ્રાથમિક અહેવાલ રજૂ કરવાનો ઇનકાર કર્યો હતો.
12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેકઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. 270 લોકો માર્યા ગયા હતા, જેમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચ્યો હતો.

બેઠકમાં તમામ પક્ષોના સાંસદોએ ઉડ્ડયન સુરક્ષા અને રેગ્યુલેટરી પર પ્રશ્નો ઉઠાવ્યા. સાંસદોએ જણાવ્યું હતું કે, ‘એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એક રડાર પર લગભગ 30 ફ્લાઇટ્સનું નિરીક્ષણ કરે છે, જ્યારે ઘણી જગ્યાએ 8થી 10 ફ્લાઇટ્સનું છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણો કરતાં વધુ છે અને આનાથી માનવ ભૂલોની શક્યતા વધી જાય છે.’
નોધનીય છે કે, DGCAમાં લગભગ અડધા પદો ખાલી છે, જેને ટૂંક સમયમાં ભરવાની ભલામણ કરવામાં આવી હતી. ઘણાં સાંસદોએ સમિતિની અગાઉની ભલામણોનો અમલ ન થવા પર નારાજગી વ્યક્ત કરી હતી. અકસ્માત પછી સ્થાનિક ફ્લાઇટ્સમાં 8%થી વધુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં 1%થી ઓછો ઘટાડો થયો છે. સાંસદોએ ઍરપોર્ટ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોની આસપાસ આડેધડ શહેરીકરણ પર પણ ચિંતા વ્યક્ત કરી.