GANDHINAGAR SECTOR – 1 : ગાંધીનગર ના સેક્ટર-1 ના આર્ટિફિકિશિયલ તળાવમાં ડૂબેલા બાળકનો મૃત્યુદેહ બહાર કઢાયો, તંત્રની બેદરકારીએ બાળકનો ભોગ લીધો

GANDHINAGAR SECTOR – 1 : ગાંધીનગરમાં થોડા વરસાદમાં જ આડેધડ પડેલા ખાડા અને ભૂવાઓએ મનપાની કામગીરીની પોલ ખોલી નાખી હતી, જોકે હવે મનપાની બેદરકારીને કારણે 7 વર્ષીય બાળકનો જીવ ગયો છે. શહેરના સેક્ટર-1માં નિર્માણાધીન આર્ટિફિશિયલ તળાવમાં ગઇકાલે (તારીખ- 30/06/2025) એક બાળક રમતાં રમતાં ગરકાવ થઇ ગયો હતો, જેનો આજે મૃતદેહ બહાર કઢાયો છે.

GANDHINAGAR SECTOR – 1 : તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરની કથળેલી સ્થિતિ જોઈને GMC તેમજ પાટનગર યોજના વિભાગના અધિકારીઓની આકરી શબ્દોમાં ઝાટકણી કાઢી હતી, જેના બીજા દિવસે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી સ્થિતિ સુધારવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી, તેમ છતાં તંત્રએ ઘોર બેદરકારી દાખવતાં બાળકનો જીવ ગયો છે.

GANDHINAGAR SECTOR – 1 : ગાંધીનગરના ચ-0 સર્કલ નજીક સેકટર-1 ખાતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ખાનગી એજન્સી દ્વારા સુજલામ સુફલામ યોજના અન્વયે આર્ટિફિશિયલ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ આર્ટિફિકિશિયલ તળાવમાં સેક્ટર-1માં રહેતો 7 વર્ષીય કુલદીપ ગફુરભાઈ ભરવાડ નામનું બાળક ઘરકાવ થઈ જવાથી તેનું કરુણ મોત થયું છે.
આ અંગે બાળકના કાકા વિષ્ણુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે મારા મોટા ભાઈનું અગાઉ અવસાન થયું છે. મારાં ભાભી તેમજ બે બાળક સેક્ટર-1 ખાતે એક બંગલામાં સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહે છે. ગઈકાલે સોમવારે કુલદીપ રાબેતા મુજબ ઘરેથી નજીકમાં મિત્રો સાથે રમવા ગયો હતો. લગભગ કુલદીપ ઘરેથી 4:30 વાગ્યાની આસપાસ નીકળ્યો હતો, જે મોડી સાંજ સુધી ઘરે પરત નહીં આવતાં પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તેનો ક્યાંય પત્તો મળ્યો નહોતો. મોડીરાત થવા સુધી કુલદીપનો ક્યાંય પત્તો નહીં લાગતાં આખરે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં કુલદીપના ગુમ થવાની જાણવાજો ફરિયાદ આપવામાં આવી હતી અને આખી રાત એની આસપાસના વિસ્તારમાં શોધખોળ પણ ચાલુ રાખી હતી.
આ દરમિયાન આજે તેની સાથે રમી રહેલાં બાળકોને પૂછતાં કુલદીપ તળાવ બાજુ રમતો હોવાનું જાણવા મળ્યું હતું, એના પગલે ગાંધીનગર ફાયરબ્રિગેડને બોલાવીને તપાસ કરવામાં આવતાં કુલદીપ મરણ હાલતમાં મળ્યો હતો. વધુમાં વિષ્ણુભાઈએ તંત્રની ઘોર બેદરકારી સામે આક્ષેપો કરતાં કહ્યું હતું કે અહીં કોર્પોરેશન દ્વારા તળાવ તેમજ ગાર્ડન બનાવવામાં આવી રહ્યાં છે, પરંતુ અહીં ન તો કોઈ સિક્યોરિટી કે બેરિકેડ્સ જેવા સુરક્ષાનાં સાધનો પણ રાખવામાં આવ્યાં નથી, જેના કારણે આજે મારા ભત્રીજાને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.
આ અંગે ગાંધીનગર મેયર મીરાબેન પટેલે સમગ્ર ઘટનાને વખોડી કાઢીને દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું કે સંબંધિત ઘટનાની તપાસ કરવામાં આવશે અને કસૂરવાર ખાનગી એજન્સી સામે જરૂર જણાય કાર્યવાહી પણ કરવામાં આવશે. બીજી તરફ ગાંધીનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે સેક્ટર-1 ખાતે તળાવ બનાવવામાં આવ્યું છે.અહીં જરૂરી સિક્યુરિટી તેમજ બેરીકેટિંગ પણ કરવામાં આવ્યું છે તેમણે દાવો કર્યો હતો કે થોડા દિવસો અગાઉ પણ બાળકો અહીં રમતા હોવાથી તેમને દૂર ખસેડવામાં આવ્યા હતા.