VIJAY RUPANI FUNERAL : આવતીકાલે અમેરિકાથી ઋષભ રૂપાણી આવશે, રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર થશે

VIJAY RUPANI FUNERAL : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે. રાજકીય નેતાઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી રહ્યા છે. જ્યાં વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે દિવંગત વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે.
VIJAY RUPANI FUNERAL : વિજય રૂપાણીના પુત્ર ઋષભ અમેરિકામાં રહે છે, તે ત્યાંથી અમદાવાદ આવવા નીકળી ગયા છે અને આવતીકાલે (14 જૂને) સવારે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યારે તેમના પત્ની અંજલિબહેન રૂપાણી આજે (13 જૂને) લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી ગાંધીનગર તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પૂર્વ સીએમ વિજય રૂપાણીના ગાંધીનગર નિવાસસ્થાને પહોંચવા લાગ્યા છે. જેમાં કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા સહિત ભાજપના નેતા કુંવરજી બાવળિયા, કુબેર ડીંડોર અને ભાનુબહેન બાબરિયા, પુરુષોત્તમ રૂપાલા સહિત સરકારી અધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને પત્ની અંજલિ રૂપાણીને સાંત્વના પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંજલિબેન રૂપાણી અને પરિવારને મળ્યા હતી. દિવંગત વિજય રૂપાણીના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.

આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, ‘વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતું હતા, તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.’
ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયાનું વિમાન સિવિલ હૉસ્પિટલના પરિસરમાં આવેલી બી. જે. મેડિકલ કૉલેજની હોસ્ટેલની ઇમારતમાં તૂટી પડ્યું હતું. જેના બાદ પ્રચંડ વિસ્ફોટ થતાં વિમાનમાં સવાર 241 લોકો અને હોસ્ટેલ તેમજ કેન્ટીન અને આજુબાજુના બિલ્ડિંગમાં હાજર લોકો પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનમાં 265 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે.