Reliance Industries : મુકેશ અંબાણી ની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 10 લાખ કરોડથી વધુની કુલ ઇક્વિટીને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બની

Reliance Industries : મુકેશ અંબાણી ની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. કંપનીએ તાજેતરમાં જ પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા બાદ રૂ. 10 લાખ કરોડથી વધુની કુલ ઇક્વિટીનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ સિદ્ધિ મેળવનારી પ્રથમ ભારતીય કંપની બની ગઈ છે,
આ પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 20 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન મેળવનારી પણ પ્રથમ ભારતીય કંપની હતી.
Reliance Industries : કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામો અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 2.4 ટકા વધીને રૂ. 19,407 કરોડ થયો છે. જો પ્રતિ શેરની વાત કરીએ તો રિલાયન્સનો નફો રૂ. 14.34 નોંધાયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં પ્રતિ શેર રૂ. 14 એટલે કે રૂ. 18,951 કરોડ હતો. આ ક્વાર્ટરમાં કંપનીની ઓપરેટિંગ આવક પણ વધીને રૂ. 2.6 લાખ કરોડ થઈ ગઈ છે, જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં તે રૂ. 2.4 લાખ કરોડ હતી.
માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સના શેર હાલમાં રૂ. 1300ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. જો કે, શુક્રવારે શેર થોડા ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયા હતા. અગાઉ 7મી એપ્રિલે શેરે રૂ. 1,115.55નું નીચલું સ્તર પણ સ્પર્શ્યું હતું, જે શેરનો 52 સપ્તાહનો સૌથી નીચો ભાવ પણ છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 17,59,276.14 કરોડ છે.
પરિણામોમાં કંપનીનું દેવું વધ્યાનું પણ સામે આવ્યું છે. 31મી માર્ચ, 2025ના રોજ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ચોખ્ખું દેવું ગયા વર્ષની સરખામણીમાં થોડું વધીને રૂ. 117,083 કરોડ થયું છે. આમ છતાં, રિલાયન્સે કુલ ઇક્વિટીમાં રૂ. 10 લાખ કરોડનો આંકડો પાર કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે.