અમદાવાદ ACના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે આગ, 3 ઘાયલ

અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં બનાવાયું હતું ગોડાઉન, આસપાસના મકાનો અને વાહનો આગની ચપેટમાં આવ્યા

અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયટીમાં રહેણાંક મકાનમાં બનાવાયેલા ACના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા નાસભાગ મચી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ACના ગેસના બાટલા હોય એક બાદ એક બ્લાસ્ટ થતા ભયનો માહોલ છવાયો હતો. આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ અને આસપાસના અન્ય મકાનો અને પાર્ક કરેલા વાહનો આગની ચપેટમાં આવ્યા હતા. અમદાવાદના અલગ અલગ ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગના બનાવમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલીક 108 મારફત સારવાર માટે ખસેડાયા છે. વધુ લોકો ઘાયલ હોવાની આશંકાના પગલે અન્ય 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળ રવાના કરવામાં આવી છે.

ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા

સ્થાનિક લોકો પાસેથી પ્રાથમિક રીતે જાણવા મુજબ ઘરમાં એસીનું ગોડાઉન હતું અને તેમાં ગેસના બાટલાઓ મુકેલા હતા. બપોરના સમયે લાગેલી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનમાં એસીના ગેસની બોટલ ધડાકાઓની હારમાળા સર્જાઈ હતી. આગ વિકરાળ બનતા આસપાસના અન્ય મકાનો અને પાંચ વાહનો પણ ચપેટમાં આવ્યા હતા. આ બનાવમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ACની ગેસની બોટલો ઉડતા આરપાસના મકાનોના કાચ તૂટ્યા

જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીના એક ઘરમાં મોટા પ્રમાણમાં રાખવામાં આવેલી એસી અને એસીના ગેસની બોટલોમાં આગ ફાટી નીકળતા ગેસની બોટલો હવામાં ઉડી હતી અને આસપાસના મકાનોની બારી પર અથડાતા કાચ તૂટ્યા હતા.

સ્થાનિક ધારાસભ્ય ઘટનાસ્થળે દોડી આવ્યા

ઘટનાની જાણ થતા વેજલપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની તજવીજ શરૂ કરી છે.

ઘરમાં 2000 જેટલા નાના ગેસના બાટલા હતા

જીવરાજ પાર્ક પાસે આવેલી જ્ઞાનદા નામની સોસાયટીમાં વનસ્થલી નામનું મકાન આવેલું હતું. મકાન માલિક પોતે એર કન્ડિશનનો વ્યવસાય કરે છે. એર કન્ડિશનનો વ્યવસાય કરતા હોવાના કારણે તેમના ઘરમાં એસીનો સામાન પડ્યો હતો. અંદાજે 2000થી વધારે નાના બાટલા અને કોપરના વાયર ઘરમાં રાખ્યા હતા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *