
અમદાવાદની મેડિકલ કોલેજમાં ભણતી MBBSની વિદ્યાર્થિનીનો આપઘાત, કારણ અકબંધ
અમદાવાદમાં NHL મેડિકલ કોલેજમાં વિદ્યાર્થિની સુશીલા વસાવાએ ગત મોડી રાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો, પોલીસે તપાસ હાથ ધરી છે
અમદાવાદમાં NHL મેડિકલ કોલેજમાં 21 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. અરવલ્લીના બાયડની સુશીલા વસાવા નામની વિદ્યાર્થિની MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જેણે રૂમ નંબર 424માં વિદ્યાર્થિનીએ ગત મોડી રાતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થિનીના આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે.
MBBSના બીજા વર્ષમાં અભ્યાસ વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
NHL મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કોલેજની હોસ્ટેલમાં રૂમ નંબર 424માં અન્ય વિદ્યાર્થિની સાથે રહેતી હતી. જેણે એકાએક આપઘાત કરી લીધો છે. જે બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીએ કયા કારણસર આપઘાત કર્યો તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
પોલીસે મૃતકનો મોબાઈલ કબજે કરી તપાસ હાથ ધરી
અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક સુશીલા વસાવા પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી, ત્યારે પોલીસ મૃતકનો મોબાઈલ કબજે કરી તપાસ શરૂ કરી મોતનું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે. બનાવના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.