
વિશાલાથી સરખેજ ચોકડી સુધી 1295 કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનશે, 2027 સુધીમાં પૂર્ણ થશે કામગીરી
અમદાવાદના APMC માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે. આ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી માટે રૂ. 1295.39 કરોડ રકમના કામની 11 માર્ચ 2024એ મંજૂરી આપવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગના રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આ 10.63 કી.મી.ના બ્રીજ બનાવવાની કામગીરી આગામી વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. વિશાલાથી સરખેજ સુધીના હાઈવે પર લોકલ ટ્રાફીકને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ થતો હોવાથી બહારના ટ્રાફિકની સમસ્યા રહેતી હતી જે આ બ્રીજ બનવાથી ઓછી થશે.
વિશાલાથી સરખેજ સુધીના હાઇવે પર છ માર્ગીય એલિવેટેડ કોરિડર તથા બંને બાજુ પાંચ માર્ગીય એટગ્રેટ રસ્તા સહિત કુલ 16 માર્ગીય સવલત ગુજરાતમાં પ્રથમ વખત ઉપલબ્ધ થશે.