માંડવી ખાતે સ્વચ્છ ભારત મિશન “સ્વચ્છતા એ જ સેવા” નાટક ભજવાયો
માંડવી : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ ગુજરાત ધ્વારા આયોજિત અને માંડવી નગર સેવા સદનના સહયોગથી સ્વચ્છ ભારત મિશન અન્વયે બે દિવસીય “સ્વચ્છતા એ જ સેવા” નાટક માંડવી શહેરની પ્રાથમિક શાળાઓ અને જાહેર સ્થળોએ ફોર કલાઉન્સ, અમદાવાદ કંપની ધ્વારા રજૂ કરી સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજવામાં આવેલ.આ પ્રસંગે ફોર કલાઉન્સ અમદાવાદની કંપનીના દિગ્દર્શક આશિષભાઈ દવેએ જણાવ્યું હતું કે, એકવીસમી સદીમાં પ્રવેશી ચૂકેલી માનવજાતિ સમક્ષ અને આરોગ્ય માટે ભયંકર ખતરો ઉભો થયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨ ઓકટોબર ૨૦૧૪ થી સ્વચ્છ ભારત મિશનનો આરંભ કર્યો છે. અને સ્વચ્છતાનો કાર્યક્રમ એક અવસરનો કાર્યક્રમ બની ગયો છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો પણ જોડાઈ રહયા છે.સ્વચ્છતા અંગેનું મહત્વ સમજાવતા દવેએ જણાવ્યું હતું કે, સૂકો અને ભીનો કચરો જુદી રીતે રાખી સોલીડ વેસ્ટ વ્યવસ્થાપન અંગે તેમજ કચરાના વર્ગીકરણ અંગે સમજ આપી હતી. કાગળ, કાર્ડબોર્ડ અને પૂઠા, પેકેજીંગના કામમાં વપરાતું મટીરીયલ, મિશ્રિત પદાર્થોથી બનાવવામાં આવતા પેકેટ, પ્લાસ્ટિક વગેરે સૂકો કચરો હોય છે. જેને વાદળી રંગના ડસ્ટબીનમાં મૂકવો જોઈએ. જયારે બગડેલી શાકભાજી, શાકભાજી અને ફળોના છોતરા, ઝાડના પાંદડાનો કચરો વગેરે ભીનો કચરો હોય છે જેને લીલા રંગના ડસ્ટબીનમાં મૂકવો જોઈએ.માંડવી શહેરની ગો.બાં. પ્રા.શાળા, ઉમા વિધાલય, ગોકુલ વિદ્યા મંદિર, સ્વામિનારાયણ વિધાલય (પ્રાથમિક વિભાગ), હ.ન.કોઠારી પ્રા. શાળા, શેઠ ૨.મુ.કન્યા પ્રા.શાળા, શેઠ લી. મુ.ભીમાણી પ્રા. શાળા, કો. જયંત ખત્રી પ્રા. શાળા, ડો. નૌસીર દસ્તુર પ્રા. શાળા, જૈન નુતન પ્રા. શાળા, શેઠ ખલ્ફાન દામાણી પ્રા. શાળા, કામધેનુ પ્રા. શાળા, સલાયા પ્રા.શાળા નં-૧, માંડવી એસ.ટી.ડેપો વગેરે જગ્યાએ “સ્વચ્છતા એ જ સેવા” અંતર્ગત નાટક ધ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજયો હતો. જેમાં ઓમ ઠાકોર, નિસર્ગ નાયક, સચિન પ્રજાપતિ અને વિશાલગીરી ગોસ્વામીએ નાટકમાં પાત્રો ભજવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન માંડવી નગરપાલિકાના ભૂપેન્દ્ર સલાટ સાથે રહ્યા હતા. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી “સ્વચ્છતા અ જ સેવા” કાર્યક્રમ અંદાજે ૪૫૦૦૦ (પિસ્તાલીસ હજાર) જેટલા પ્રેક્ષકો સમક્ષ રજુ કરી ચૂક્યા હોવાની આશિષભાઈ દવેએ માહિતી આપી છે.આ કાર્યક્રમમાં વિવિધ પ્રાથમિક શાળાના આચાર્યગણ, શિક્ષણ ગણ, વિધાર્થીગણ, માંડવી એસ.ટી.ડેપોના મેનેજર તેમજ સ્ટાફગણ અને પ્રવાસીઓએ નિહાળયો હતો અને તાકીઓના ગડગડાટથી વધાવ્યો હતો. જયારે ટાગોર રંગભવન મધ્યે “સ્વચ્છતા એ જ સેવા” અંતર્ગત નાટક રજુ કરવામાં આવેલ. જેમાં હેડ કલાર્ક મનજી પરમાર, સ્ટાફગણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના સમાપન દિવસે માંડવી નગરપાલિકા કચેરી મળ્યે પણ “સ્વચ્છતા એ જ સેવા” અંતર્ગત નાટક રાખવામાં આવેલ.જેમાં કર્મચારીગણ અને શહેરીજનો ઉપસ્થિત રહયા હતા.