
અમદાવાદ માં ગાંધીજીને બદલે અનુપમ ખેરના ફોટાવાળી નોટ પધરાવાઈ!
અમદાવાદમાં એક જ્વેલર્સને રૂ. 1.30 કરોડની નકલી નોટો પધરાવીને 2100 ગ્રામ સોનુ લઇને ફરાર થઇ ગયેલા ગઠિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં મહાત્મા ગાંધીજીના ફોટાને બદલે અનુપમ ખેરના ફોટાવાળી રૂ. 1.30 કરોડની નોટો પકડાવાઇ છે! આ બનાવની વિગત એવી છે કે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં કરોડો રૂપિયાનું સોનુ ખરીદવા માટે એક આંગડીયા પેઢી ઊભી કરવામાં આવી હતી. એટલું જ નહી 2100 ગ્રામ સોનું ખરીદવા માટે રૂ. 1 કરોડ 60 લાખનો સોદો થયો હતો. સોનીની દુકાનના કર્મચારીઓ સોનું લઇને ત્યાં પહોંચ્યા ત્યારે અગાઉ હાજર બે શખ્સોએ તેમને બેન્કના સ્ટેમ્પવાળી 1 કરોડ 30 લાખની નોટો બતાવી અને કહ્યંy તમે મને સોનું આપો એટલે હું બાજુની દુકાનમાંથી રૂ. 30 લાખ લઇ આવું છું. ત્યાં સુધી તમે મશીનમાં નોટો ગણી લો. ત્યાર બાદ સોનું લઇને ગઠિયાઓ નીકળી ગયા હતા. જોકે જ્યારે નોટો ગણાતી હતી ત્યારે ખબર પડી કે આ નોટો નકલી હતી અને નોટો પર ગાંધીજીની જગ્યાએ બોલિવુડ અભિનેતા અનુપમ ખેરનો ફોટો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પ્રહલાદનગરના મેહુલ ઠક્કરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ કરી હતી. મેહુલ ઠક્કર માણેક ચોક ખાતે મેહુલ બુલિયનના નામથી સોના ચાંદીનો ધંધો કરે છે.