છેલ્લા 3 દિવસથી લાખો ખાતેદાર પરેશાન:રેન્સમવેર અટેકને કારણે સહકારી બેંકોનું 8થી 10 હજાર કરોડનું ટ્રાન્જેક્શન અટક્યું, UPI-ડિજિટલની લેવડ-દેવડ બંધ
ગુજરાત અને સમગ્ર દેશની બેંકમાં ગત 29 જુલાઈના રોજથી એક ખૂબ મોટો અટેક થયાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક અને તેની સાથે સંલગ્ન તમામ કોપરેટીવ બેંકોમાં આ સમસ્યા સર્જાઇ છે. જેને કારણે કોપરેટીવ બેંકમાં ખાતું ધરાવતા ખાતે ધારકોના યુપીઆઈ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ શકતા નથી. તદુપરાંત નાણાં ક્રેડિટ તો થઈ શકે છે, પરંતુ આ ખાતે ધારકો પોતાના જ ખાતાના નાણા ડેબિટ કરી શકતા નથી. આ સાથે ચેક પણ રિટર્ન થઈ શકતા નથી. ગત 29 જુલાઈના રોજ માહિતી મળી હતી કે, દેશની બેંકો ઉપર રેન્સમવેર અટેક થયો છે.
29 જુલાઈએ સર્વર ડાઉન થયું હતું
ગુજરાત રાજ્યની વેપાર-ધંધાનું હબ માનવામાં આવે છે, તેવામાં મોટાભાગના ટ્રાન્ઝેક્શન બેંક દ્વારા થતા હોય છે. ત્યારે ગુજરાતમાં આ પ્રકારના અટેકને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે, પરંતુ હજુ સુધી કોઈ નુકસાન થયું હોય તેની ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક અને તેની સાથેની સંલગ્ન તમામ કો-ઓપરેટીવ બેંક દ્વારા CH સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં 29 જુલાઈથી તેના ઉપર અટેક થતા સર્વર ડાઉન થયું છે. હાલમાં તેને ઉપર સરકાર દ્વારા ફોરેન્સિક ઓડિટ કરવામાં આવી રહ્યું છે. જેથી કોઈ નુકસાન થયું છે કે, નહીં તેની ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ શકશે.
ખાતા ધારકો નાણા ઉપાડી શકતા નથીઃ આર. બી. સરૈયા
મહાગુજરાત બેંક એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ આર. બી. સરૈયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 29 જુલાઈથી જે અટેક થયો તેને કારણે તમામ કો-ઓપરેટીવ બેંકના સર્વર ડાઉન છે. જેમાં ગુજરાતમાં મુખ્યત્વે કાલુપુર કો-ઓપરેટિવ બેંક નૂતન નાગરિક સહકારી બેંક એડીસી કો-ઓપરેટીવ બેંકના ખાતેદારોની સંખ્યા વધુ છે. આ તમામ ખાતેદારો છેલ્લા ચાર દિવસથી પરેશાનીમાં મુકાયા છે. કારણ કે, તેમના એકાઉન્ટમાં નાણા ક્રેડિટ થઈ શકે છે, પરંતુ આ ખાતેદારો પોતાના જ ખાતામાંથી પોતાના નાણા ઉપાડી શકતા નથી.
8થી 10 હજાર કરોડનું ટ્રાન્જેક્શન અટક્યું
વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી ચેક પણ ક્લિયરિંગમાં જઈ શક્યા નથી, જેને કારણે દરરોજનું આઠથી દસ હજાર કરોડનું ટ્રાન્જેક્શન અટકી રહ્યું છે. મળતી માહિતી મુજબ આગામી 1થી 2 દિવસમાં તમામ સમસ્યાનો નિવેડો આવે તેવી શક્યતા છે.
