
માંડવીની જન કલ્યાણ મેડિકલ હોસ્પિટલના પરિસરમાં નિર્માણ પામનારા સાધુ સાધ્વીઓ માટે મેડિકલી વૈયા વચ્ય કેન્દ્રમાં રાષ્ટ્રીયસંત સંજયમુની મહારાજ સાહેબે પગલા કરી આશીર્વાદ પાઠવ્યા
બંદરીય શહેર માંડવી મધ્યે માંડવી-ભુજ હાઇવે ઉપર છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદિપક કામગીરી કરતી સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર – માંડવી મધ્યે દાતા ના સહયોગથી નજીકના સમયમાં નિર્માણ પામનાર સાધુ સાધ્વીઓ માટે મેડિકલી વૈયાવચ્ય કેન્દ્રમાં તા. 24/03 ને સોમવારના રોજ રાષ્ટ્રીયસંત પરમ પૂજ્ય સંજય મુનિ મહારાજ સાહેબે પગલા કરીને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને મંત્રી શ્રી અરવિંદભાઈ શાહે રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય સંજય મુનિ મહારાજ સાહેબને માહિતી આપતા જણાવ્યું હતું કે, દાતાશ્રી માતૃશ્રી હીરાકુંવરબેન નાનજીભાઈ ચાંપસીભાઈ શાહ પરિવાર ગીતાસ્મૃતિ મધુમણી ખ્યાતિનમ ફાઉન્ડેશન (મેરાઉ-ગાંધીધામ-વડોદરા-બાંદ્રા) તરફથી નજીકના સમયમાં જન કલ્યાણ મેડિકલ હોસ્પિટલના પરિસરમાં સાધુ સાધ્વીઓ માટે મેડિકલી વૈયા વચ્ય કેન્દ્ર નિર્માણ પામશે. આ બંને હોદ્દેદારોએ રાષ્ટ્રીય સંતને હોસ્પિટલ દ્વારા 31 વર્ષથી અવિરત ચાલતી આરોગ્ય સેવાની માહિતી આપી હતી. આ માહિતીથી રાષ્ટ્રીયસંત ભારે પ્રભાવિત થયા હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય સંજય મુનિ મહારાજ સાહેબે મેડિકલી વૈયા વચ્ય કેન્દ્રને આશીર્વાદ પાઠવી વધુમાં જણાવ્યું હતું કે, અહીં દર્દી રડતો રડતો આવશે અને હસતો હસતો તંદુરસ્ત થઈને પોતાના ઘરે જશે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના સલાહકાર અને નિવૃત્ત સનદી અધિકારી શ્રી વી. કે. સોલંકી, સંસ્થાના એડમીન હિતેશભાઈ ભટ્ટ, માંડવીના જૈન અગ્રણી જુગલભાઇ સંઘવી અને હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય સંતે હોસ્પિટલમાં પગલાં કરી આશીર્વાદ પાઠવ્યા તે બદલ સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો. મધુરભાઈ રાણા અને શ્રીમતી સરોજબેન રાણા, સંસ્થાના વર્તમાન પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય સંજય મુનિ મહારાજ સાહેબની અનુમોદના કરી હતી.