
પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પોર્ટસ મીટ-2024 અંતર્ગત આજે પશ્ચિમ કચ્છના દરેક પોલીસ મથક દ્વારા પોતાના વિસ્તારમાં ભવ્ય મેરેથોન દોડનું આયોજન થયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એક નવી પહેલ સ્પોર્ટસ મીટના ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન થયું હતું. અંતિમ દિવસે ઠેરઠેર મેરેથોન યોજાઇ હતી. પોલીસના પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદાત્મ્ય વધારવાના હેતુસર તમામ સમાજ-વર્ગને એકસાથે લઇ ચાલવાના તેમજ સરકારી વિભાગો અને સુરક્ષા એજન્સીઓ સાથે વધુ સંકલન કરવાના તથા ટ્રાફિક અવેરનેસ, ડ્રગ્સ નાબૂદી, સાયબર ક્રાઇમ જાગૃતિ અને સરહદ સુરક્ષાને વધુ સુદ્રઢ કરવાના હેતુસર આ સ્પોર્ટસ મીટ યોજાઇ હતી.

માંડવી પોલીસ અને માંડવી મરીન પોલીસના સંયુકત ઉપક્રમે માંડવીમાં આઝાદ ચોકથી નવા સ્વામિનારાયણ મંદિર, લાયજા રોડ, સોનાવાળા નાકા, કલ્યાણ ચોક, હેડ પોસ્ટઓફિસ રોડ, ગઢશીશા ત્રણ રસ્તાથી શીતલા માતાજી મંદીર સુધી મેરેથોન દોડનું આયોજન કરવામાં અવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારીઓ ઉપરાંત મરીન કમાન્ડો, મામલતદાર કચેરી, નગર સેવા સદન, સરકારી કચેરીઓ, મહિલા મંડળો, નાના બાળકો, સિનિયર સિટીઝનો, સાઈકલ કલબના સભ્યો વિગેરેએ ઉમર પ્રમાણે વિભાગો પાડી ઉત્સાહપૂર્વક સર્વેએ ભાગ લીધો હતો.

દરેક સ્પર્ધકોને સ્ટિકર નંબર પ્રમાણે લગાવી આગવું આકર્ષણ ઊભું કર્યું હતું. આ મેરેથોનમાં પી.આઈ. શીમ્પીએ સ્ટાર્ટ આપતી વખતે સવારે ઠંડીમાં વહેલા આટલી મોટી સંખ્યામાં આવી જવા બદલ આભારની લાગણી વ્યકત કરી હતી. છ વર્ષનાં બાળકથી લઈ 70 વર્ષના મોટેરા આ મેરેથોનમાં જોડાયા હતા. વ્હોરા સમાજના યુવાનોએ જાહેરમાં પોલીસને સહયોગની ખાતરી દર્શાવતાં તેમની ભાવનાને પીઆઈ તથા મામલતદાર વી.કે. ગોકલાણીએ બિરદાવ્યા હતા. વિવિધ વિભાગોમાં 3-3 વિજેતાઓને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વરૂપસિંહ રાઠોડ, પાલુભાઈ ગઢવી, વનરાજભાઈ ખેર, જુસબ આમદ, સલીમ ઉંમર, અજિતસિંહ રાઠોડ, આમદ હુસેન, ચેતનભાઈ જોશી (હેડકલાર્ક, માંડવી નગર સેવા સદન), પરસોત્તમભાઈ બાલાચપરિયા, ક્રિશિવ માંગલિયા, નિશાબેન મકવાણા, નર્મદાબેન માતંગ, જયશ્રીબેન જોશી, આર્ય ગુંસાઈ, આદિત્ય લીંબાણી, વ્યોમ ધોળુ, નીકિતા બારૈયા, પ્રિન્સી બારૈયા, વંશિકા માલમ વગેરેને સન્માનપત્રથી નવાજવામાં આવ્યા હતા.