
માંડવીમાં ત્રણ માસથી કાર્યાન્વિત નિ:શુલ્ક છાશ (Butter milk ) કેન્દ્રનું સમાપન કરાયું. કાળઝાળ ગરમીમાં 2.23 લાખ જરૂરત મંદોની સેવા ભક્તિ કરાઈ 41,600 લીટર છાશનું નિ:શુલ્ક વિતરણ કરાયું.
જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના પથદર્શક અને પ્રેરણામૂર્તિ વાગડ સમુદાયના સુવિશાલ ગચ્છાધિપતિ જૈનાચાર્ય પ. પૂ. આ.ભ.શ્રીમદ વિજય કલ્પતરુ સુરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી છેલ્લા 13 વર્ષ થયા. વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત આ જૈન સેવા સંસ્થાના ઉપક્રમે સતત 11 માં વર્ષે દાતા માતૃશ્રી કમલાવંતીબેન શશીકાંતભાઈ મોરબીયા- માંડવી હાલે ભુજના સહયોગથી છેલ્લા ૩ માસ થયા. માંડવી ડોક્ટર સ્ટ્રીટ મધ્યે ચાલતા નિ:શુલ્ક છાશ (Butter milk ) કેન્દ્રનું આજરોજ સમાપન કરાયું હતું.
ડોક્ટર સ્ટ્રીટ “ચંદન” મધ્યે સંસ્થાના પ્રમુખ વી.જી.મહેતા ના અધ્યક્ષ સ્થાને અને જૈન અગ્રણી વાડીલાલભાઈ દોશી તથા લાભાર્થી ઓ સંસ્થાના ભુજ અને માંડવીના કાર્યકરો વિગેરેની વિશાળ ઉપસ્થિત મા યોજાયેલ કાર્યક્રમનો શુભારંભ મંત્રાધીરાજ નવકાર મહામંત્રના જાપ સાથે કરાયો હતો.
જેમાં પ્રોજેક્ટ ચેરમેન દિનેશ શાહે દરેકને આવકાર્યા હતા. શ્રમજીવી પરિવારોના હૈયે ટાઢક થાય અને તેઓ ઉનાળાનું અમૃત “છાશ” (Butter milk ) ના ઉપયોગથી પોતાનું ભોજન રુચિકર બનાવી શકે તે હેતુ તા. 30/03 થી શરૂ કરાવેલ આ નિ:શુલ્ક છાશ કેન્દ્ર પરથી દરરોજ 500 જેટલા પરિવારોને પરિવાર દીઠ ૧ લીટર છાશનું વિતરણ કરાવવામાં આવ્યું હોવાનું અને 30/03 થી 25/06 સુધીના 88 દિવસના ગાળા દરમિયાન કુલ 41,600 લીટર છાશનું નિ:શુલ્ક વિતરણ કરાવામાં આવ્યું હતું અને તે દ્વારા કુલ 2.23 લાખ લોકોની ભક્તિ સેવા કરવાનો સંસ્થાને લાભ મળ્યો હોવાનું પ્રોજેક્ટ ચેરમેન દિનેશ શાહ તથા જયેશભાઈ ચંદુરાએ જણાવ્યું હતું.
માંડવીના જૈન અગ્રણી વાડીલાલભાઈ દોશી એ પોતાના ઉદબોધનમાં, સતત ૩ માસ સુધી ખડે પગે રહી જરૂરત મંદોની સેવા કરતા અને વર્ષના 365 દિવસ સેવાયરી જારી રાખતા સંસ્થાના પ્રમુખ વિ.જી.મહેતાને પરાઈ પીડા જાણનાર, દિન – દુ:ખિયાના બેલી અને સેવાના સાચા ભેખધારી ગણાતા સમસ્ત નવચેતન પરિવારને બિરદાવ્યો હતો અને દાતાની દિલેરાને બિરદાવી હતી.
સમારોહમાં અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાએ પોતાની કર્મભૂમિ માંડવી અને લાભાર્થીઓ ને નમન કરી સહયોગ બદલ દરેકનો આભાર માન્યો હતો અને દાતા પરિવારના ઓવરણા લઈ ધન્યવાદ આપ્યા હતા. તેમજ સળંગ ૩ માસથી કાર્યાન્વિત નિ:શુલ્ક છાશ કેન્દ્રના નિર્વિઘ્ને સમાપન બદલ દેવ – ગુરુ – ધર્મની કૃપા સાથે દાતા પરિવાર સંસ્થાના કાર્યકરો તથા લાભાર્થીઓની અનુમોદના કરી હતી. પ્રખર પ્રવચન કાર જ્ઞાનમૂર્તિ જૈનાચાર્ય પ. પૂ. આ.ભ. શ્રી પશોવિજયસુરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં ચાલુ થયેલ આ નિ:શુલ્ક છાશ કેન્દ્ર સેવા પ્રોજેક્ટને સુપેરે સફળ બનાવવામાં સંસ્થાના પ્રમુખ વિ.જી. મહેતાના નેતૃત્વમાં પ્રોજેક્ટ ચેરમેન દિનેશ શાહ, જયેશ ચંદુરા, હિરેન દોશી, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, ચિંતન મહેતા, ઓજસ શેઠ, અનસુયા શાહ, સરોજ વ્રિજવાણી, જયશ્રી ગિરનારી, ડો. જય મહેતા વગેરે જહેમત ઉઠાવવી હતી તેવું વિજય મહેતાએ જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહ અને આભાર દર્શન જયેશ ચંદુરા એ કર્યું હતું.