
AMC અમદાવાદમાં લાંબા બ્રેક બાદ ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુરૂવારે સવારે સટાસટી બોલાવ્યા બાદ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ત્યારે ચોવીસ કલાક બાદ ફરી ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, માણેકબાગ, સેટેલાઈટ, જમાલપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે પૂર્વ અમદાવાદમાં પાણી ભરાયા હતા. ત્યારે આજે શુક્રવારે પશ્ચિમ અમદાવાદ પાણી પાણી થઈ ગયું હતું. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદને પગલે અખબારનગર, મીઠાખળી, પરિમલ અને મકરબા LC 25 અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વધુ એક અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. શાહીબાગ અંડરબ્રિજ સહિત કુલ 5 અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.
AMC સેટેલાઈટ, પ્રહલાદનગરમાં 6.5 ઇંચ, શહેરમાં અઢી ઈંચ
અમદાવાદ શહેરમાં સાંજે છ વાગ્યાથી સતત વરસાદ પડી રહ્યો છે. ત્રણ કલાકમાં સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. જોધપુર, સેટેલાઈટ, શ્યામલ, પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે. બોપલ, થલતેજ, સોલા, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, સિંધુભવન, પકવાન ચાર રસ્તા, એસજી હાઇવે, ગુરુદ્વારા, ઉસ્માનપુરા, વાડજ, જમાલપુર, લાલદરવાજા, ખમાસા સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પાલડી, વાસણા, ગોતા, વેજલપુર, સરખેજ, રાણીપ, ન્યૂ રાણીપ, સુભાષબ્રિજ સહિતના વિસ્તારોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
AMC ની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર બાદ આજે પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ફરી ખુલી ગઈ છે. પ્રિમોન્સૂનની કામગીરીની વાતો વચ્ચે શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, આનંદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કામગીરીના ભાગરૂપે ઉત્તરપશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના અધિકારીઓ દ્વારા બે વખત અને ત્રણ વખત કેચપીટ સાફ કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ જે રીતે પાણીનો ઝડપથી નિકાલ થવો જોઈએ, તેવો પાણીનો નિકાલ થયો નથી. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
ત્રણ કલાક શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, પૂર્વ વિસ્તારને ઘમરોળ્યા બાદ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. શહેરના એસજી હાઇવે ઉપર ભારે વરસાદને પગલે રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, બોડકદેવ, સિંધુભવન, ઇસ્કોન બ્રિજ ઉપર ટ્રાફિકજામ સર્જાયા હતા. કર્ણાવતી ક્લબ ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે અને ભારે વરસાદ પડતા ત્યાં ટ્રાફિકજામ સર્જાયો છે. ભારે વરસાદને કારણે શહેર બેટમાં ફેરવાયું છે. નોકરીંધંધેથી ઘરે જતાં લોકો રસ્તામાં અટવાયા છે. વરસાદી પાણી રોડ પર ફરી વળતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ટ્રાફિક કંટ્રોલ કરતા ટ્રાફિકકર્મીઓને પણ મુશ્કેલીઓ પડી રહી હતી.

એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામ
AMC અમદાવાદના એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. સાંજે નોકરીથી છૂટવાના સમયે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા અનેક વાહન ચાલકો ફસાયા હતા. શહેરના આનંદનગર, પ્રહલાદનગર, શ્યામલ, આપણા ચાંદખેડા, રાણીપ, સોલા સાયન્સ સિટી, ઉસ્માનપુરા, નિકોલ, નરોડા, ઓઢવ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
થલતેજ અને ભદ્ર પાસે એડવાન્સ સિનેમા નજીક ઘરની દીવાલ પડી
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદને પગલે થલતેજ વિસ્તારમાં સ્મશાન નજીક આવેલા AMTS બસ સ્ટેન્ડ પાસે આવેલી દીવાલ પડી હતી. દીવાલ બાજુમાં પાર્ક કરેલા બાઇક અને AMTS પર પડતા નુકસાન થયું હતું. જોકે કોઈ જાનહાની થઈ નથી. લાલ દરવાજા વિસ્તારમાં ભદ્ર પાસે એડવાન્સ સિનેમા નજીક પણ ઘરની એક દીવાલ ધરાશાયી થઈ હતી. બંને ઘટનામાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી. જોકે આ બંને ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.
એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, માણેકબાગ, સેટેલાઈટ, જમાલપુર, એલિસબ્રિજ, લાલદરવાજા, મકરબા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, રાણીપ, સરસપુર, બાપુનગર, નરોડા, નારોલ, સરખેજ, વસ્ત્રાલ સહિત શહેરના મોટાભાગના વરસાદમાં પડ્યો છે. શહેરમાં સમી સાંજે ધોધમાર વરસેલા વરસાદથી પાણી ભરાયા હતા.
વરસાદને પગલે નોકરીયાતો અટવાયા
શહેરમાં સાંજે શરૂ થયેલા ભારે વરસાદને કારણે નોકરી-ધંધા પરથી ઘરે પરત ફરનારા લોકો અટવાયા હતા. શહેરમાં ઠેર-ઠેર ભરાયેલા પાણીને કારણે અધવચ્ચે લોકો અટવાઇ પડ્યા હતા. વરસાદને કારણે બજારોમાં જામેલી ભીડ વરસાદને પગલે અસ્તવ્યસ્ત થઇ ગઇ હતી. બજારો સુમસામ થઇ ગઇ હતા.
ગુજરાતના 117 તાલુકામાં વરસાદ
સવારના 8થી બપોર પછીના 4 વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો ગુજરાતના 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જામનગરમાં 8 ઈંચ, અંજારમાં 8 ઈંચ, કપરાડામાં 5 ઈંચ, ધરમપુરમાં 5 ઈંચ, વ્યારામાં 4 ઈંચ, વ્યારામાં 4 ઈંચ, વંથલીમાં 4 ઈંચ અને ગાંધીધામમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જૂનાગઢની ઓઝત નદીમાં ઘોડાપૂર આવ્યું છે. એને લઈને મટિયાણા ગામમાં પાણી ઘૂસી ગયાં છે. ઓઝત નદીમાં ઘોડાપૂરને કારણે બામણાસા ગામમાં એક મકાન પાણીમાં ધરાશાયી થયું છે. અંજારના નાગલપર પાસે નદીમાં ઘોડાપૂર આવતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.