
અમદાવાદીઓ Ahmedabad હવે કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, કારણ કે અમદાવાદમાં 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. શહેરમાં આજે અને આવતીકાલે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી જશે.
રાજ્યભરમાંથી હવે કમોસમી વરસાદે વિદાય લીધી છે, જેના કારણે સ્વાભાવિકપણે ગરમીની તીવ્રતામાં વધારો થયો છે. છેલ્લા બે મહિનાથી ખેડૂતોને કમોસમી વરસાદે તોબા પોકારાવી દીધી હતી. હવે ગુજરાતમાં વૈશાખી વાયરા વાતા થયા છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં હવે કાળઝાળ ગરમી લોકોને રાડ પડાવશે. અમદાવાદમાં Ahmedabad 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન શહેરમાં 43 ડિગ્રીએ તાપમાન પહોંચી શકે છે.
અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. તેમજ બીજી બાજુ રાજ્યમાં ગરમીનો પારો ઉંપર જાય તેવી સંભાવના છે. ઉપરાંત તાપમાનમાં 3 ડિગ્રી વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના 8 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 41, અમદાવાદમાં 41.6, ગાંધીનગરમાં 41.4, ભુજમાં 41, ડીસામાં 40.5, પાટણમાં 40.5, વડોદરામાં 40.2, જૂનાગઢમાં 39.9, ભાવનગરમાં 38.2 અને સુરતમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.