
છત્તીસગઢના દંતેવાડામાં એક મોટા નકસલી હુમલામાં 11 જવાન શહીદ થયાં છે.
છત્તીસગઢના દંતેવાડામાં મોટો નક્સલી હુમલો થયો છે. તેમાં 11 જવાનો શહીદ થયા છે.સર્ચ ઓપરેશન કરીને પરત આવી રહેલા ડીઆરજી ફોર્સના જવાનોની હત્યા માટે નકસલીઓએ અરનપુર વિસ્તારમાં આઈઈડી વિસ્ફોટક ગોઠવ્યું હતું જેવા જવાનો લશ્કરી વાહનમાં આવ્યાં કે તરત બ્લાસ્ટ થયો હતો જેમાં ડ્રાઈવર સહિત ફોર્સના 11 જવાન શહીદ થયાં હતા.
નક્સલીઓને છોડાશે નહીં- સીએમ બઘેલ
આ હુમલાને કાયરાના હરકત ગણાવતાં સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે, નક્સલીઓને છોડવામાં નહીં આવે. જાણકારી અનુસાર હજુ પણ નક્સલીઓ અને સૈનિકો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે.
કેવી રીતે ત્રાટક્યાં નકસલીઓ
આજે દંતેવાડાના પોલીસ સ્ટેશન અરનપુર વિસ્તારમાં માઓવાદી કેડરની હાજરીની બાતમીને આધારે દંતેવાડાથી નક્સલ વિરોધી અભિયાન માટે ડીઆરજી ફોર્સ મોકલવામાં આવી હતી. ઘણે સુધી શોધખોળ કરવા છતાં ત્યાં કોઈ માઓવાદી દેખાયો નહોતા. આથી ટીમ પરત ફરતી હતી ત્યારે રસ્તામાં નકસલીઓએ આઈઈડી બ્લાસ્ટ કરી મૂકતા જેમાં પોલીસના 11 જવાન શહીદ થયાં હતા.
અમિત શાહે ભૂપેશ બઘેલ સાથે વાત કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે ભુપેશ બઘેલ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને તમામ મદદની ખાતરી આપી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારને જે જરૂર હશે તે મદદ આપવામાં આવશે.
શું છે ડીઆરજી
ડીઆરજી એટલે ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાર્ડ જે છત્તીસગઢ પોલીસના સ્પેશિયલ જવાન છે. આ ફોર્સના જવાનોની ફક્ત નકસલીઓ સામે લડવા માટે ભરતી કરાઈ છે તેમાં સરેન્ડર કરનાર નકસલી અને બસ્તરની ભૂમિ પર મોટા થયેલા લોકો સામેલ હોય છે. નકસલીઓ સામેની સૌથી મોટી સફળતા અત્યાર સુધી આ જવાનોને મળી છે.
બઘેલ દરેક હુમલા પછી આવી જ વાતો કરે છે, નક્કર પગલાં લીધા નથી- રમણસિંહ
રાજ્યના પૂર્વ સીએમ રમણ સિંહે આ હુમલા અંગે ભૂપેશ બઘેલ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે બઘેલ દરેક હુમલા પછી આ જ વાત કહે છે પરંતુ કોઈ નક્કર પગલા લેવામાં આવી રહ્યા નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી નક્સલીઓ વિરુદ્ધ અભિયાન રાજ્યો સાથે સમન્વય કરીને ચલાવવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યાનો અંત નહીં આવે.