અટલ ફૂટ ઓવરબ્રિજ પરના કાચ પરથી વીડિયો કે સેલ્ફી નહીં લઈ શકાય

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફરવા માટેનું સૌથી જાણીતા એવા અટલ ફૂટ ઓવરબ્રિજ ઉપર વચ્ચે લગાવવામાં આવેલા આઠ કાચમાંથી એક કાચમાં તિરાડો પડી ગઈ હતી. હવે, આ તમામ કાચની આસપાસ લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે. અત્યાર સુધી લોકો ઉપર ઊભા રહીને નીચે નદીનું પાણી જોઈ શકતા હતા અને ત્યાંથી તસવીરો, વીડિયો અને સેલ્ફી લેતા હતા. પરંતુ, માત્ર સાત મહિનામાં જ આ કાચ ઘસાઈ જતા સ્ક્રેચ પડ્યા હતા. રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા લોખંડની ગ્રીલ લગાવી દેવાઈ છે. જેથી હવે લોકો હવે ત્યાં ઊભા રહીને નહીં, પરંતુ લોખંડની ગ્રીલ પાસેથી ઊભા રહીને નીચે સીધું નદીમાં પાણી જોઈ શકશે. જોકે, આડસ મોકલવા માટે સ્ટિલની ગ્રીલ લગાવવા માટે લાખોનો ખર્ચ કરાયો છે.

અટલ ફૂટ ઓવરબ્રિજ ઉપર લગાવેલા આકર્ષક કાચની આસપાસ રિવરફ્રન્ટ કોર્પોરેશન તંત્ર દ્વારા જે ગ્રીલ લગાવવામાં આવી છે તેનો અંદાજિત ખર્ચ આશરે રૂપિયા ચાર લાખ જેવો થયો છે.

તિરાડ દેખાતા 8 કાચને ગ્રીલની સુરક્ષા અપાઈ

અટલ બ્રિજ પર આકર્ષક 8 કાચ ઉપર લોકો ઊભા રહી અને નીચે સીધું પાણી જોઈ શકે અને સેલ્ફી લઈ શકે તેના માટે લગાવવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, કાચ પર ઊભા રહી નીચે પાણી જોવામાં લોકોની સુરક્ષાનો કોઈપણ પ્રકારનો પ્રશ્ન નથી, પરંતુ લાખો લોકો આ કાચ ઉપર ઊભા રહી અને નદીમાં જોતા હોય છે. તેના કારણે સ્ક્રેચ પડી જતાં કાચ ઘસાઈ ગયો છે, જેથી હવે લોકો ચોખ્ખું પાણી જોઈ શકે તેના માટે આસપાસ ગ્રીલ લગાવી દેવામાં આવી છે. એક તરફ આકર્ષક કાચ લોકો તેના ઉપર ઉભા રહીને સીધું નીચે નદીમાં પાણી જોઈ શકે તેના માટે લગાવવામાં આવ્યા હતા. પરંતુ હવે તિરાડ પડવાની ઘટના બાદ અચાનક જ આ ગ્રીલ લગાવી દેવામાં આવતા સવાલ ઊભો થયો છે કે, ખરેખર સુરક્ષાનો પ્રશ્ન નથી કે પછી સ્ક્રેચ પડવાના નામે સુરક્ષા માટે ગ્રીલ લગાવી દેવાઇ છે.

લોકોને નદીનું ચોખ્ખું પાણી દેખાડવા ગ્રીલ લગાવી!

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આઈ કે પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અટલ ફૂટ ઓવરબ્રિજ ઉપર જે આઠ કાચ આવેલા છે, તેની આસપાસ લોખંડની ગ્રીલ લગાવવામાં આવી છે. લોખંડની ગ્રીલ લગાવવાનું હેતુ છે કે જે કાચ લગાવવામાં આવેલા છે, તેના ઉપર લોકો ઉભા રહે છે. લાખો લોકોની અવરજવરના કારણે સ્ક્રેચ પડી ગયા હતા અને નદીમાં સીધું ચોખ્ખું પાણી જોઈ શકાતું ન હતું. લોકો નદીનું ચોખ્ખું પાણી જોઈ શકે તેના માટે હવે લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે. જેથી ત્યાં ઊભા રહી અને લોકો નદીનું પાણી જોઈ શકશે. કાચ પર તિરાડો પડી હતી એ તમામ કાચ ઉપર સુરક્ષાનો કોઈ પ્રશ્ન નથી.

અટલ ફૂટ ઓવરબ્રિજ પર કાચમાંથી સીધું નદીનું પાણી દેખાય છે, તેવા આ કાચ પર 5 એપ્રિલના રોજ તિરાડો પડતા તાત્કાલિક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા તેને બેરિકેડ કરી અને તેના ઉપર કોઈ ઊભા ના રહે તે રીતે કોર્ડન કરી દેવામાં આવ્યું હતું. અટલ ફૂટ બ્રિજના ઉદ્ઘાટનના સાત મહિનામાં જ લગાવવામાં આવેલા આકર્ષક ચાર કાચમાંથી એક કાચમાં આ રીતે તિરાડો પડતા અનેક સવાલો ઉભા થયા છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના અધિકારીએ પોતાનો લૂલો બચાવ કરતા ગરમીના લીધે આ કાચ પર તિરાડો પડી હોવાનું કારણ આગળ ધર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *