ગાંધીનગર: વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા યુગલોને ધમકાવી ભગાડનાર બજરંગ દળના સંયોજક સહિત 5 સામે ગુનો દાખલ

વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવા માટે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત અન્ય જગ્યાઓ પર એકઠા થયેલા યુગલોને બજરંગ દળના કાર્યકરોએ ધમકાવી ભગાડી મૂક્યા હતા. દરમિયાન કાર્યકરોના હાથમાં લાકડીઓ પણ હતી. આ મામલે હવે ગાંધીનગર બજરંગ દળના સંયોજક સહિત 5 કાર્યકરો વિરુદ્ધ સેક્ટર-7 પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

કાર્યકરોએ હાથમાં લાકડીઓ લઈને પહોંચ્યા હતા

જણાવી દઈએ કે, ગઈકાલે રાજ્ય સહિત દેશભરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ બજરંગ દળના કાર્યકરોએ ભારતીય સંસ્કૃતિનાં પ્રચાર અર્થે વેલેન્ટાઇન ડેની ઉજવણીનો વિરોધ કર્યો હતો. જે અન્વયે ગાંધીનગરમાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત અન્ય વિસ્તારોમાં બજરંગ દાળના કાર્યકરોએ હાથમાં લાકડીઓ લઈ પહોંચ્યા હતા અને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા યુગલોને ધમકાવી ભગાડ્યા હતા. 

જાહેરનામા ભંગનો ગુનો 

આ અંગેના અહેવાલ સોશિયલ મીડિયા સહિત કેટલાક ન્યૂઝ ચેનલોમાં પ્રકાશિત થતા સેક્ટર-7 પોલીસે કાર્યવાહી શરુ કરી છે. પોલીસ દ્વારા લકાડીઓ લઈને જાહેરમાં ફરતા બજરંગ દળના કાર્યકરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો દાખલ કર્યો છે. માહિતી મુજબ, સેકટર-7 પોલીસે ગાંધીનગર બજરંગ દળના સંયોજક શક્તિસિંહ ઝાલા સહિત ગજેન્દ્રસિંહ રહેવર, હિતેન્દ્રસિંહ વાઘેલા, ભાર્ગવ પટેલ અને કેયુર જાની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મામલે સેકટર-3 ખાતે રહેતાં બજરંગ દળના ગણપતસિંહ વાઘેલાની પૂછપરછ કરવામાં આવી હતી.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *