તળાજાના 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ 2016 ના વર્ષમાં થયા હતા ત્રણ મર્ડર

તળાજા શહેરમાં 2016 ના વર્ષ માં થયેલ ટ્રીપલ મર્ડર કેસની સુનાવણી માં 6 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારતી કોર્ટ

આ બનાવ વિશે સંપૂર્ણ વિગતો અનુસાર જણાવી દઈએ તો તળાજામાં ૨૦૧૬ની સાલમાં હથિયારો મુકવાની ના પાડવાના મામલે ચાલ્યા આવતા મનદુઃખને લઇ ખુની ખેલ ખેલાતા પિતા અને બે પુત્રની તિક્ષ્‍ણ હથિયારના ઘા મારી અને ફાયરીંગ કરી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી.

જે બનાવને લઇ તળાજા પંથકમાં ભારે ચકચાર છવાઇ જવા પામી હતી. ઉક્ત કેસ આજરોજ તળાજા ન્યાયાલયમાં ચાલી જતા છ શખ્સને આજીવન કારાવાસની સજાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. જ્યારે ચાલુ ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મૃત્યુ નિપજવા પામ્યું હતું અને ત્રણ મહિલા સહિત ચારને શંકાનો લાભ મળ્યો હતો.

ચકચારી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા શહેરની ગુલુભાઇની વાડી વિસ્તારમાં રહેતા નિલમબેન પ્યારઅલીભાઇ માધવાણીએ ગત તા.૯-૧૦-૨૦૧૬ના રોજ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પાંચેક વર્ષ પૂર્વે તેઓના ઘરે તળાજામાં રહેતા ગુલુ ભુરાણી અને તેના માણસો જુના ઘરે હથિયારો મુકવા આવતા તેઓ અને તેના પરિવારજનોએ હથિયાર નહીં મુકવા દેતા તેણીના પિતા અને ભાઇઓ સાથે ઝઘડો થયેલ. દરમિયાન તાજીયાના તહેવારમાં તેઓના ભાઇ તાજીયાના માતમમાં હતા ત્યારે નૌશાદ ગુલામઅબ્બાસ ભુરાણી, ઇમરાન નઝીરભાઇ ભુરાણી, નિહાલ અબ્બાસભાઇ ભુરાણી, ગુલામઅબ્બાસ નુરમહંમદભાઇ ભુરાણીએ તેના ભાઇઓ સાથે ઝઘડો કરી માર માર્યો હતો બાદ અંદરો અંદર સમાધાન થઇ ગયું હતું. ત્યારબાદ ગત તા.૯-૧૦-૨૦૧૬ના સાંજના ૭ કલાકના અરસા દરમિયાન તેઓ, તેના ભાભી કિસ્મતબાનુ અને તેઓના બહેન મજલીસમાં ગયા હતા ત્યારે નસીમબેન મીનાજભાઇ પટેલ, રેશ્માબેન નૌશાદભાઇ ભુરાણી, રોજીબેન નિહાલભાઇ ભુરાણીએ તેઓને તમારે મજલીસમાં આવવાનું નથી, નાત બહાર મુકેલ છે તેવું કહી મજલીસમાંથી બહાર કાઢી મુક્યા હતાં. બાદ રાત્રિના ૧૦ કલાકે મજલીસમાં ગયેલ અને ૧૧.૩૦ કલાકના સુમારે પરત ફરતા હતા ત્યારે ઇમામવાડાના ડેલા પાસે નસીમબેન, રેશ્માબેન, રોજીબેનએ પથ્થરમારો કરતા તેઓએ ફોન કરી તેના ભાઇ અબ્બાસભાઇને ત્યાંથી લઇ જવાનું કહેતા અબ્બાસભાઇ, અલીહુસેનભાઇ તેમજ તેઓના પિતા પ્યારઅલીભાઇ આવી તેઓના ઘરે લઇ ગયા હતાં.

દરમિયાન કારમાં ગુલામ અબ્બાસ ભુરાણી, નૌશાદ ગુલામઅબ્બાસ ભુરાણી, ઇમરાન વજીરભાઇ ભુરાણી, શબ્બીર નુરમહંમદભાઇ વિરાણી, નિશાંત વિહાલભાઇ ભુરાણી, મિનાજ રમજાનભાઇ પટેલ, અબ્બાસ વજીરભાઇ ભુરાણી સહિતનાએ આવી તલવાર, ગુપ્તી, પાઇપ જેવા હથિયારો ધારણ કરી તેમજ ગુલામઅબ્બાસ ભુરાણીએ રિવોલ્વર સાથે ધસી આવી પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કરી તેઓના ભાઇ અબ્બાસભાઇ, અલી હુસેનભાઇ અને પિતા પ્યારઅલીભાઇને ગંભીર ઇજા પહોંચાડી અન્યએ આડેધડ હથિયારોના ઘા મારી તેઓનો ભાણેજ મહેંદીરજા મહંમદઅલી માધવાણી બચાવવા માટે વચ્ચે પડતા તેના પર પણ જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જ્યારે રેશ્માબેન, નસીમબેન અને રોજીબેને ગુલુભાઇના મકાન પરથી ઝાડના કુંડા અને પથ્થરો ફેંકી તેણીના ભાઇ અને પિતાને ઇજા પહોંચાડી હતી. દરમિયાન તેના બંને ભાઇ, પિતા અને ભાણેજને તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા બંને ભાઇ અને પિતાનું મૃત્યુ નિપજવા પામ્યું હતું. ઉક્ત રક્તરંજીત અને ત્રિપલ હત્યા કેસના પગલે તળાજા પોલીસે તમામ વિરૂદ્ધ આઇપીસી ૩૦૨, ૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તેમજ જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

આ કેસ આજરોજ તળાજાના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજશ્રી જે.એમ. બ્રહ્મભટ્ટની અદાલતમાં ચાલી જતા ન્યાયમૂર્તિશ્રીએ ૫૩ સાહેદોની જુબાની, ૧૩૭ દસ્તાવેજી પુરાવા અને મદદનીશ જિલ્લા સરકારી વકીલ કમલેશભાઇ કેસરીની દલીલોને ધ્યાન પર લઇ ગુલામઅબ્બાસ ઉર્ફે ગુલુ નુરમહંમદભાઇ ભુરાણી, નિહાલ ગુલુભાઇ ભુરાણી, નૌશાદ ગુલુભાઇ ભુરાણી, નિશાંત નિહાલભાઇ ભુરાણી, જહીરઅબ્બાસ વજીરભાઇ ભુરાણી, ઇમરાન વજીરભાઇ ભુરાણીને આઇપીસી ૩૦૨ના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદ અને પાંચ હજારનો દંડ, આઇપીસી ૩૦૭ મુજબના ગુનામાં ૧૦ વર્ષની કેદ અને પાંચ હજારનો દંડ, ઇપીકો ૧૪૯ સાથે વાંચતા કલમો ૧૪૩ મુજબના ગુનામાં છ માસ, ૧૪૭ મુજબના ગુનામાં બે વર્ષ, આઇપીસી ૧૪૮ મુજબના ગુનામાં ત્રણ વર્ષ અને જીપીએક્ટ ૧૩૫ મુજબના ગુનામાં છ માસ સાદી કેદની સજા ફરમાવી હતી. જ્યારે ચાલુ ટ્રાયલ દરમિયાન મિનાજભાઇ પટેલનું મૃત્યુ નીપજવા પામ્યું હતું અને અન્ય નસીમબેન મિનાજભાઇ પટેલ, રેશ્માબેન નૌશાદભાઇ અને રોજીબેન નિહાલભાઇ તેમજ શબ્બીર ગુલમહંમદ હિરાણીને ન્યાયાલયે શંકાનો લાભ આપ્યો હતો આ ચુકાદા ના સમયે તળાજા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને કોર્ટ બહાર લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *