
ખેડૂતોની ટ્રેક્ટર રેલી મામલે સુનાવણી ટળી
સુપ્રીમમાં હવે ૨૦ જાન્યુઆરીના રોજ યોજાશે સુનાવણી
૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી યોજવાની ખેડૂતોએ કરેલી છે જાહેરાત
ભગવાન પણ ટ્રેક્ટર માર્ચ નહિ રોકી શકે : ખેડૂત સંગઠન
દિલ્હી સરહદે ચાલી રહેલ ખેડૂત આંદોલન દિન પ્રતિદિન ઉગ્ર બની રહ્યું છે.ત્યારે આગામી ૨૬ જાન્યુઆરીએ યોજાનારી ખેડૂતોની ટ્રેક્ટર રેલી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સોમવારે મોકૂફ રાખવામાં આવી હતી અને હવે પછીની સુનાવણી ૨૦ જાન્યુઆરીના રોજ યોજાશે.
નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર રેલી યોજવાની જાહેરાત કરેલી છે.ત્યારે રેલીને અટકાવવા માટે દિલ્હી પોલીસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવેલી છે, જેના પર આજે સુનાવણી ટળી હતી.દિલ્હી પોલીસે કાયદો વ્યવસ્થાનો હવાલો આપીને રેલીને મંજુરી આપવા સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગ કરી છે.જેના પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી પછી તેને ૨૦ જાન્યુઆરી પર મુલતવી કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દિલ્હીમાં પ્રવેશનો મુદ્દો કાયદો વ્યવસ્થાનો વિષય છે અને દિલ્હીમાં કોણ આવશે અને કોણ નહિ આવે તેનો નિર્ણય દિલ્હી પોલીસે કરવાનો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વહીવટી તંત્રએ શું કરવું અને શું ના કરવું તે કોર્ટ નક્કી ના કરે.જયારે કેન્દ્ર સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર એટર્ની જર્નલ કે કે વેણુગોપાલે કહ્યું હતું કે ખેડૂતોની ટ્રેક્ટર રેલી ગેરકાયદે હશે અને દિલ્હીમાં ૫૦૦૦ લોકોના પ્રવેશની શક્યતા છે.
સુનાવણી પહેલા જ ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી અંગે સમગ્ર યોજના જાહેર કરી દીઘી હતી.સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા જ ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે ટ્રેક્ટર રેલીને હવે ભગવાન પણ રોકી નહિ શકે.૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી યોજીને જ રહીશું.
દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટ્રેક્ટર સાથે સામેલ થવાની જાહેરાત કરી ચુકેલા ખેડૂતો આવતીકાલે તેનું રીહર્સલ પણ કરશે.ટીકરી બોર્ડર પર ખેડૂતો પ્રજાસત્તાક દિવસનું રીહર્સલ કરશે.
સોમવારે સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલન અંગે સુનાવણી ચાલતી હતી ત્યારે સખ્ત અંદાજમાં કેન્દ્રની મોદી સરકારની આકરી ટીકા કરી હતી.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ પૂછ્યું હતું કે કૃષિ કાયદા તે સ્થગિત કરે છે કે પછી અમે તેના પર રોક લગાવી દઈએ.જેના પછી સુપ્રીમ કોર્ટે ચાર સભ્યની એક સમિતિ બનાવી હતી.જેનો ખેડૂત સંગઠનોએ વિરોધ કર્યો હતો.ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે સમિતિના તમામ સભ્ય સરકાર સમર્થક છે.જયારે સમિતિના એક સભ્ય ભુપીન્દર સિંહ માને જાતે જ સમિતિથી રાજીનામું આપી દીઘું હતું.