2 COWS DIE DUE TO POISON : બાટવામાં ઝેરી પદાર્થ ખાવાથી 2 ગાયોના મોત થતાં તંત્ર સામે પશુપાલકોનો ઉગ્ર આક્રોશ

2 COWS DIE DUE TO POISON : શ્રાવણ માસ દરમિયાન બાટવા શહેરમાં વધુ બે ગાયોના ઝેરી પદાર્થના સેવનથી મોત થયા છે, જ્યારે બે ગાયો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. છેલ્લા છથી આઠ મહિનાના સમયગાળામાં બાટવા અને આસપાસના વિસ્તારોમાં 14થી વધુ ગાયોના આવા જ કારણોથી મોત થયા હોવાના આંકડા સામે આવ્યા છે.

જેમાંથી 11 ગાયોના બાંટવા માં જ છેલ્લા 6 મહિનામાં મોત થયા છે,જેને લઈ શ્રદ્ધાળુઓ અને ગૌપ્રેમીઓમાં આ ઘટનાને લઈ ભારે આક્રોશ છે અને તંત્ર સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
પાલિકા વિસ્તારમાં આવેલા કચરા પોઇન્ટ પાસે એક સ્થાનિક એગ્રો-કેમિકલ દુકાનદારે એક્સપાયર્ડ યુરિયા ખાતર અને જંતુનાશક દવાઓનો ખોટો નિકાલ કર્યો હતો. બે માલધારીઓએ તેમની ગાયોને પાણી પીવા છોડી હતી, એ દરમિયાન ગાયોએ આ ઝેરી પદાર્થ ખાધા. થોડી જ વારમાં ગાયોએ તડફડાટ શરૂ કરી અને ગૌતમ ગૌશાળાના કાર્યકરોને બોલાવવામાં આવ્યા.
ગાયોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી, પણ તેમાથી બે ગાયોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ સાથે ગાયોના મોતનો આ છેલ્લાં છ મહિનામાં ત્રીજો નોંધપાત્ર બનાવ છે. આ અગાઉના બે બનાવમાં નવ જેટલા પશુઓના મૃત્યુ થયાં હતાં.
માણાવદરના પશુ ચિકિત્સક ડૉ. કમલેશ સોલંકીએ જણાવ્યું કે, “ગતકાલે ચાર ગાયોને ગંભીર સ્થિતિમાં લાવવામાં આવી હતી. તેમાથી બેના મૃત્યુ થયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ બંને ગાયોએ ઝેરી પદાર્થનું સેવન કર્યાને કારણે મૃત્યુ પામ્યાં હતાં.”

2 COWS DIE DUE TO POISON : તેમણે વધુમાં જણાવ્યું કે, “છ મહિના પહેલા પણ માણાવદર તાલુકાના ખડીયા ગામમાં 4 પશુઓ અને માણાવદર વિસ્તારમાં નવ જેટલાં પશુઓના ઝેરી પદાર્થથી મોત થયાં હતાં. એ તમામ પીએમ રિપોર્ટ અમે પોલીસને સોંપ્યા છે અને એફએસએલ માટે મોકલવામાં આવ્યા છે.”

બાટવા પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ, ગઈકાલે ગાયોના મોતના કેસમાં ઓળખી શકાય તેવી દવા દુકાનના પેકેટો મળ્યાં હતા. આધારે “જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.”
હાલ સુધી કોઈ ધરપકડ ન થઈ હોવાને કારણે ગૌપ્રેમીઓમાં ભારે અસંતોષ છે. તેમનું કહેવું છે કે પવિત્ર શ્રાવણ માસમાં આવાં દુઃખદ બનાવો ગૌહત્યાની શ્રેણીમાં આવે છે, અને તંત્રે માત્ર કાર્યવાહીનો દેખાવ કર્યા સિવાય કોઈ સ્પષ્ટ પગલા ભર્યા નથી.
સ્થાનિક નાગરિક અરજણ કરમટાએ જણાવ્યું કે, “આ અગાઉ પણ પોલીસમાં ફરિયાદો થઈ હતી છતાં પણ કોઈ દોષિત સામે કાર્યવાહી ન થવી એ તંત્રની બેદરકારી છે. વારંવાર આવી ઘટનાઓ થતાં હોવા છતાં કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે.”
તેમણે ઉગ્ર ટિપ્પણી કરતાં ઉમેર્યું, “આ ગૌહત્યા સમાન ગુના છે. આવા લાપરવાહ દુકાનદારો સામે તાત્કાલિક કડકથી કડક પગલા ભરવા જોઈએ. નહીંતર આવી દુઃખદ ઘટનાઓ ફરી બનવાની પૂરી શક્યતા છે.”