ભુજના ટાઉનહોલમાં અર્વાચીન ગરબામાં રાજ્ય કક્ષાએ બીજા નંબરે વિજેતા થનાર માંડવીની વિકલાંગ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓનું માંડવીની સંસ્થાએ સન્માન કર્યું

ભુજના ટાઉનહોલમાં અર્વાચીન ગરબામાં રાજ્ય કક્ષાએ બીજા નંબરે વિજેતા થનાર માંડવીની વિકલાંગ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓનું માંડવીની સંસ્થાએ સન્માન કર્યું 

એન. એ. બી. સ્પોટ્સ એન્ડ કલ્ચર કમિટી ગુજરાત રાજ્ય શાખા તથા એન. એ. બી. ભુજના ઉપક્રમે, અખિલ ગુજરાત અંધજન ગરબા સ્પર્ધા (પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે) ભુજના ટાઉનહોલમાં તા. ૦૭/૧૦ના યોજાયેલ સ્પર્ધામાં માંડવીમાં 31 વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ બીજા નંબરે વિજેતા થતાં, તાજેતરમાં સંસ્થાએ તેમનું સન્માન કરવા વિકલાંગ કન્યા છાત્રાલયમાં સન્માન સમારંભનું આયોજન કર્યું હતું. 

સંસ્થાના પ્રમુખશ્રી શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને યોજાયેલા સમારોહમાં પ્રમુખ સ્થાનેથી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ રાજ્યકક્ષાએ બીજો નંબર મેળવીને સંસ્થાનું ગૌરવ વધારેલ છે તેમ જણાવી, પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા. 

સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, આ અગાઉ સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી સરોજબેન રાણાની રાહબરી અને માર્ગદર્શન હેઠળ સંસ્થાની દિવ્યાંગ દીકરીઓએ અમદાવાદમાં રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવીને રૂપિયા 1,00,000/-(એક લાખ) નું ઇનામ મેળવેલ હતું. 

સંસ્થાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહમંત્રી સુલતાનભાઈ મીર, ટ્રસ્ટી દમયંતીબેન બારોટ અને ખુશાલભાઈ બળીયાએ પણ પ્રાસંગિક પ્રવચનમાં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ ‘હમ કિસી સે કમ નહી’ ઉક્તિને સાર્થક કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

 પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને રોકડ ઇનામ અને થેલા આપીને સન્માન કરાયું હતું. કોરીયોગ્રાફર નકુલભાઈ નાથબાવાનું સંસ્થા તથા શ્રીમતી ચંદ્રિકાબેન રણછોડભાઈ પટેલ દ્વારા રોકડ ઈનામ આપી સન્માન કરાયું હતું. 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ આભાર દર્શન કરેલ હતું. ગૃહમાતા પ્રવિણાબેન પાટોડી તેમજ શૈલેષભાઈ મીઠાવાલા સહયોગી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *