
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આવતીકાલે પરિણામો સાથે રાજકીય ચિત્ર સ્પષ્ટ થશે, અનેક રાજકીય નેતાઓનું ભાવિ ઘડશે આ ચૂંટણી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત નાની મોટી ઘટનાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. 15 મહાનગરપાલિકામાં સરેરાશ 49.02 ટકા, નગરપાલિકાઓમાં 59.50 ટકા, જિલ્લા પંચાયતોમાં 61.69 ટકા, અને તાલુકા પંચાયતોમાં 62.38 ટકા મતદાન નોંધાયુ છે.
જિલ્લા પંચાયતોમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 80.66 ટકા અને ડાંગ જિલ્લામાં 77.01 ટકા થયું છે. સૌથી ઓછું મતદાન પોરબંદર જિલ્લા પંચાયતમાં 43.37 ટકા થયું છે. સ્થાનિક સ્વરાજના 25,551 ઉમેદવારોનું ભાવિ 28 એપ્રિલને મંગળવારના રોજ ખૂલશે.
વર્ષ 2021ની ચૂંટણીની સરખામણી કરીએ તો મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં મતદાન આ વર્ષે વધ્યુ છે. જિલ્લા પંચાયતોમાં વધુ મતદાન થયું હોવા છતાં ગત ટર્મની તુલનાએ આ વર્ષે મતદાન ઘટ્યું છે. વર્ષ 2021ની ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં 62.41 ટકા, તાલુકા પંચાયતમાં 63.42 ટકા, નગરપાલિકાઓમાં 54.95 ટકા અને મહાનગરપાલિકાઓમાં 46.10 ટકા મતદાન થયું હતું.
શહેર કરતાં ગામડાનો મતદાર વધુ જાગૃત
જિલ્લા પંચાયતમાં સરેરાશ 61.69 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન નર્મદા અને ડાંગ જિલ્લા પંચાયતમાં થયું છે. સૌથી ઓછું મતદાન પોરબંદર જિલ્લા પંચાયતમાં થયું છે. નર્મદા જિલ્લામાં 80.66 ટકા મતદાન સાથે રાજ્યમાં સૌથી વધુ મતદાન કરીને સાબિત કર્યું છે કે ગામડાનો મતદાર આજે પણ શહેરી મતદાર કરતાં વધુ જાગૃત છે.
આદિવાસી પટ્ટામાં સૌથી વધુ મતદાન
જિલ્લા પંચાયતોના મતદાનમાં રાજ્યમાં સૌથી વધુ મતદાન આદિવાસી પટ્ટાના જિલ્લાઓમાં નોંધાયુ છે. સૌથી વધુ નર્મદા જિલ્લામાં 80.66, ડાંગમા 77.01, તાપીમાં 75.33, વલસાડમાં 70.62, નવસારીમાં 69.60, છોટા ઉદેપુરમાં 69.15, ભરૂચમાં મતદાન થયું છે.સુરતમાં 67.54 ટકા મતદાન થયું છે.
મધ્ય ગુજરાતમાં કેટલું મતદાન થયું?
જિલ્લા પંચાયતના મતદાન અંતર્ગત વડોદરામાં 65.50, અમદાવાદમાં 65.40, पंथमालभां 61.67, ειडोमां 61.63, आएांभां 60.65, ખેડામાં 54.90, મહીસાગરમાં 58.75 ટકા મતદાન થયું છે.
ઉત્તર ગુજરાતમાં કેટલું મતદાન?
વાવ-થરાદમાં 61.16, બનાસકાંઠામાં 60.44, સાબરકાંઠામાં 60.06, મહેસાણામાં 59.88, પાટણમાં 58.69, અરવલ્લીમાં 58.02, ગાંધીનગરમાં 63.21 ટકા મતદાન થયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલું મતદાન?
કચ્છમાં 59.80, ગીર સોમનાથમાં 58.86, સુરેન્દ્રનગરમાં 57.30, દેવભૂમિ દ્વારકામાં 56.53, જામનગરમાં 55.57, જૂનાગઢમાં 54.22, બોટાદમાં 52.40, રાજકોટમાં 52.11, ભાવનગરમાં 50.61, અમરેલીમાં 47.59, પોરબંદરમાં 43.37 અને મોરબીમાં 64.08 ટકા મતદાન થયું છે.
SIR પ્રક્રિયા બાદ પહેલી ચૂંટણી
ગુજરાતના રાજકીય ઈતિહાસમાં મતદાર યાદીમાંથી નામ રદ કરવાની કામગીરી એટલે કે SIR પ્રક્રિયા બાદ પહેલી ચૂંટણી યોજાઈ છે. 77 લાખ મતદારોના નામ કમી થયા બાદ ભાજપ સરકાર, વિપક્ષ કોંગ્રેસ અને ત્રીજા પક્ષ તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટીની કસોટી હતી. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બાદ મતદાર યાદી શુદ્ધ થઈ છેબોગસ કે મૃતક મતદારો હતા. તે દૂર થતાં મતદાનની ટકાવારી વધુ જોવા મળી છે.
વર્ષ 2021ની ચૂંટણીમાં મહાનગરપાલિકામાં 46 ટકાની સરખામણીએ આ વખતે 49 ટકા મતદાન થયું છે. જેમાં 3 ટકાનો વધારો થયો છે. નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં એક-એક ટકાનો વધારો થયો છે. જિલ્લા પંચાયતોમાં એક ટકાનો ઘટાડો થયો છે.

અનેક રાજકીય નેતાઓનું ભાવિ ઘડશે
આ વખતે મતદાન પહેલા ભાજપે અંદાજે 730 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. આ ઉપરાંત આઠ નગરપાલિકાઓમાં ચૂંટણી વગર સત્તા મેળવી લીધી છે. ચૂંટણી પહેલા ભાજપે રાજકીય રીતે વિપક્ષી પાર્ટીઓને મોટો ફટકો માર્યો છે. ભાજપે સાબિત કર્યુ છે કે, તેમના પક્ષનું સંગઠન હજુ પણ મજબૂત છે અને વિરોધીઓ સામે લીડમાં છે.
આ ચૂંટણી માત્ર જીત-હારની નહી પણ અનેક સંકેતો છુપાયેલા છે. ભાજપ દબદબો જાળવી રાખે તો 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આત્મવિશ્વાસ વધશે. સરકાર અને સંગઠન બંને વધુ આક્રમક મૂડમાં આવશે. ભાજપને નુકસાન થાય અથવા બેઠકોમાં ઘટાડો થાય તો પાર્ટી માટે ચેતવણી ગણાશે. જ્યારે મતદારો અને કાર્યકરોમાં અસંતોષ વધ્યો હોવાનો સંકેત ગણાશે.
વિપક્ષ માટે આ ચૂંટણી વધુ મહત્વની છે. કોંગ્રેસ અને અન્ય પક્ષો માટે ચૂંટણી પુનર્જિવિત થવાની તક છે. સારો દેખાવ કરે છે તો 2027 પહેલા નવો ઉત્સાહ મળશે અને નિષ્ફળતા મળે તો આગળની લડાઈ વધુ મુશ્કેલ બની શકે છે.આ ચૂંટણીમાં પાણી, રસ્તા, ગટર, પ્રોપર્ટી ટેક્સ, રોજગાર, શહેરોની સુવિધાઓ જેવા પ્રશ્નો પર મતદારોએ આકરી પ્રતિક્રિયા આપી છે. આવતીકાલે ખૂલનારા EVM ફક્ત ઉમેદવારોના નહીં પણ રાજકીય નેતાઓના ભાવિ પણ ખોલશે.
2027ની ફાઈનલ પહેલાં મોટું મોમેન્ટમ મળશે?
વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓના સુપડા સાફ કરી દીધા હતા. મોટાભાગની સંસ્થાઓમાં ભગવો લહેરાવ્યો હતો. વર્ષ 2021ની જીતથી ભાજપને 2022ની વિધાનસભા ચૂંટણી માટે મોટું મોમેન્ટમ મળી ગયું હતું. ત્યારે વર્ષ 2026ની ચૂંટણીના પરિણામો પણ 2027ની વિધાનસભા ચૂંટણી માટેનું મોટું મોમેન્ટમ ગણાશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ મહત્વની ચૂંટણી ગણાશે.
પ્રદેશ ભાજપ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રીની કસોટી
ગુજરાતના મતદારોની નજર હવે આવતીકાલે એટલે કે 28 એપ્રિલે જાહેર થનારા પરિણામો પર ટકી છે. આ ફક્ત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નથી. સૌથી મોટી કસોટી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રીની છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની છે. આ ચૂંટણીમાં જે પક્ષ મજબૂત થશે તે પક્ષ માટે વર્ષ 2027ની ચૂંટણીનો રસ્તો સરળ બનશે.
ભાજપ માટે આ ચૂંટણી સૌથી મોટો લીડરશીપ ટેસ્ટ છે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની પહેલી ચૂંટણી છે. ગત ચૂંટણી વખતે સી.આર. પાટીલના નેતૃત્વમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. હવે વિશ્વકર્મા સામે પ્રદર્શન જાળવી રાખવાનો પડકાર છે. ભાજપ બમ્પર જીત મેળવે તો જગદીશ વિશ્વકર્માનું રાજકીય કદ વધી શકે છે. પરંતુ પરિણામ અપેક્ષા મુજબ ન આવે તો કદ ઘટી પણ શકે છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માટે આ ચૂંટણી અગ્નિપરીક્ષા છે. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેમની પહેલી ચૂંટણી છે. ગુજરાતમાં આક્રમક ચહેરા તરીકે ઉભરી આવેલા હર્ષ સંઘવી માટે જીતનું દબાણ છે. ભાજપને ભવ્ય જીત મળે તો હર્ષ સંઘવીનું રાજકીય વજન વધી શકે છે. કારમી હાર થાય તો તેની અસર તેમના રાજકીય કદ ઉપર પડી શકે છે.
કોંગ્રેસ માટે વાપસીની તક
કોંગ્રેસ માટે આ ચૂંટણી વાપસીની તક છે. ગ્રાઉન્ડ લેવલે પોતાની પકડ સાબિત કરવાની તક છે. કોંગ્રેસ સારો દેખાવ કરે તો 2027 પહેલા સંગઠનમાં નવા પ્રાણ પૂરાશે. બીજી તરફ ભાજપ માટે દબદબો જાળવી રાખવાનો પણ પડકાર હશે. મતદારોએ પોતાનું કામ કરી દીધું છે. હવે કોણ કમાલ કરશે અને કોને મળશે જનતાનો જનાદેશ, કોના તરફી બની રહ્યું છે 2027ની વિધાનસભાનું વાતાવરણ.. તે હવે 28 એપ્રિલને મંગળવારે એટલે કે આવતીકાલે જાહેર થનારા પરિણામો પરથી ખબર પડશે.