
હિંમતનગર હાઈવે પર ભીષણ અકસ્માત: બસે કારને કચડી, 6ના મોત
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નજીક જસવંતગઢ પાટિયા પાસે આજે સવારના સમયે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. શામળાજીથી અમદાવાદ તરફ જતાં નેશનલ હાઈવે પર એક ખાનગી બસે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં 6 લોકોના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો પાછળનો અને ઉપરનો ભાગ સંપૂર્ણ દબાઈ ગયો હતો અને અંદર બેઠેલા મુસાફરો ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનો અનુમાન છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી. મૃતદેહોને બહાર કાઢવા ભારે મહેનત કરવી પડી હતી અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના ફરી એકવાર હાઈવે પર વધતા અકસ્માતો અને વાહન સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.