અમદાવાદમાં જીન્સના કાપડ ધોવાની ટાંકીમાં ઊતરેલા 3 યુવકનાં મોત

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

અમદાવાદમાં જીન્સના કાપડ ધોવાની ટાંકીમાં ઊતરેલા 3 યુવકનાં મોત:ત્રણેય મૃતદેહ ટાંકીમાં રાતભર રહ્યા હોવાનો પરિવારજનોનો આક્ષેપ, ખોડિયારનગરની જીન્સ બનાવતી કંપનીનો બનાવ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં સંચાલકે સિવેજ ટેન્કની સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટરે પાંચ માણસો સાથે ગઇકાલે કામગીરી કર્યા બાદ આજે(16 મે) અધૂૂરી કામગીરી પૂર્ણ કરવા આવેલા 3 શ્રમિક કામગીરી કરી રહ્યા હતા ત્યારે એક શ્રમિક ટેન્કમાં પડી ગયો હતો જેને બચાવવા બીજા બે શ્રમિક પણ ટેન્કમાં પડ્યા હતા. જેમાં ત્રણેય લોકોને ગેસની ગંભીર અસર થઈ હતી. તમામને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના મોત થયા છે.

મૃતકના નામ

પ્રકાશ પરમાર

વિશાલ ઠાકોર

સુનિલ રાઠવા

કંપનીના માલિકે સિવેજ ટેન્ક સફાઈ કરવા કોન્ટ્રાક્ટ આપ્યો હતો

મળતી માહિતી પ્રમાણે દાણીલીમડા વિસ્તારમાં એમ.કે.ક્રિએશન નામની એક કંપની આવેલી છે જે કપડાં ધોવાનું કામ કરે છે. કંપનીના માલિક નૌસાદભાઈએ આ કંપનીની સિવેજ ટેન્કને સાફ-સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જીગ્નેશ પુરબિયા નામના વ્યક્તિએ આ કોન્ટ્રાક્ટ લીધો હતો અને પાંચ વ્યક્તિઓ સાથે ટાંકી સાફ કરવાની શરૂઆત કરી હતી.

ગઇકાલની અધૂરી કામગીરી પૂર્ણ કરવા 3 શ્રમિક આવ્યા હતા

ગઈકાલે સાંજે ટેન્કની સફાઈના કામની શરૂઆત કરાઈ હતી. અડધી સાફ-સફાઈ બાદ આજે સવારે કામગીરી પૂર્ણ કરવા સંદર્ભે આ કામમાં જોડાયેલા ત્રણ વ્યક્તિઓ આજે સવારે કંપનીમાં પહોંચ્યા હતા.

એક શ્રમિક ટેન્કમાં પડતા અન્ય બે પણ ટેન્કમાં પડ્યા

સફાઈ દરમિયાન એક વ્યક્તિ ટેન્કમાં પડી ગયો હતો અને તેને બચાવવા બીજા બે વ્યક્તિ પણ ટેન્કમાં પડી જતા ગેસ ગળતરના કારણે તે વ્યક્તિઓને ગંભીર અસર થઈ હતી. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે મૃત જાહેર કરાયા હતા. યુવકોના મોતના સમાચાર સાંભળતા જ પરિવારજનો પણ એલ.જી. હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

દાણીલીમડા પોલીસે એફઆઇઆર નોંધવાની તજવીજ હાથ ધરી

આ અંગે કે ડિવિઝન એ.સી.પી. યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટીએ અંડરગ્રાઉન્ડ સિવેજની ટાંકીમાં ગેસ ગળતર થયું તેના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ અનુસંધાને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ કંપનીના સંચાલક અને તેના ઓપરેટર કે જેને કોન્ટ્રાક્ટ લીધો છે તેને રાઉન્ડઅપ કરી પૂછપરછ ચાલું છે.

‘પ્રાથમિક દ્રષ્ટિએ શ્રમિકોને કોઈ સેફ્ટીના ઉપકરણો આપ્યા હોવાનું નજર આવેલ નથી’

હાલ પ્રાથમિક દ્રષ્ટિએ શ્રમિકોને કોઈ સેફ્ટીના ઉપકરણો આપ્યા હોવાનું નજર આવેલ નથી. સીસીટીવી ફૂટેજ અને પૂછપરછ બાદ જરૂર હશે તો અન્ય કલમ એફઆઇઆરમાં ઉમેરવામાં આવશે. જેને રાઉન્ડઅપ કર્યા છે તેમનો કોઈ ગુનાહિત ઈતિહાસ સામે આવશે તો તાત્કાલિક એફઆઇઆર નોંધીને એરેસ્ટ કરવાની કાર્યવાહી કરાશે. કંપની એકાદ વર્ષથી બંધ હતી તેને ફરીથી શરૂ કરવાના અનુસંધાને ટેન્ક સાફ કરવાનો કોન્ટ્રાક્ટ સંચાલક દ્વારા આપવામાં આવ્યો હતો.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *