SUPREME COURT JUDGE NILAY ANJARIA : મૂળ માંડવીના એન.વી.અંજારિયા સુપ્રીમ કોર્ટના જજ બનશે, કોલેજીયમની ભલામણ રાષ્ટ્રપતિએ મંજૂર કરી

SUPREME COURT JUDGE NILAY ANJARIA : સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા 26 મે, 2025ના રોજ બે મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી હતી. કોલેજિયમે કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત જસ્ટિસ એન.વી. અંજારિયાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક કરવાની ભલામણ કરી હતી. આજે(29 મે, 2025) રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટની કોલેજિયમની ભલામણ પર મંજૂરીની મહોર મારી છે. આમ હવે મૂળ ગુજરાત કચ્છના એન.વી.અંજારિયા સુપ્રીમ કોર્ટના જજ બનશે.
SUPREME COURT JUDGE NILAY ANJARIA : જસ્ટિસ નિલયભાઇ અંજારિયા મૂળ માંડવીના નિવાસી છે, તેમના દાદા સુબોધભાઇ અંજારિયા અને પિતા વિપીનભાઇ અંજારિયા માંડવી કોર્ટમાં એડવોકેટ હતા, નિલયભાઇ અમદાવાદ હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા ત્યાંથી તેમની નિમણુંક કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે થઇ અને હવે વધારામાં તેઓ સર્વોચ્ચ અદાલતમાં પણ સેવા આપશે.
SUPREME COURT JUDGE NILAY ANJARIA : દાદા અને પિતા ઉપરાંત તેમના નાના જમિયતરાયભાઇ પણ કચ્છ જ્યારે ‘સી’ સ્ટેટ હતું ત્યારે રાજના સલાહકાર હતા અને તેમના મામા જસ્ટિસ કનુભાઇ વૈદ્ય હાઇકોર્ટના જજ રહી ચૂક્યા છે. તેમના શ્વસૂર ઇશ્વરભાઇ દવે પણ ભુજ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હોવાનું ભુજના સિનિયર ધારાશાસ્ત્રી ભરતભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું.
SUPREME COURT JUDGE NILAY ANJARIA : જસ્ટિસ એન.વી. અંજારિયાનો જન્મ 23 માર્ચ 1965માં અમદાવાદમાં જન્મ થયો હતો. ત્યાર બાદ કાયદાનો અભ્યાસ કરી 1988થી ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. આ દરમિયાન તેમણે 1989માં કાયદામાં માસ્ટર્સ કર્યું હતું. 2011માં ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ અને 2013માં પરમેનન્ટ જજ બન્યા. 21 નવેમ્બર, 2011 થી ફેબ્રુઆરી 2024, સુધી ગુજરાત હાઇકોર્ટમાં જજ તરીકે કાર્યરત હતા. ત્યાર બાદ 25 ફેબ્રુઆરી 2024ના રોજ કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા. આમ તેમની પાસે 13 વર્ષથી વધુ સમય હાઇકોર્ટના જજ તરીકેનો અનુભવ છે. તેઓ સિવિલ, કંપની, લેબર અને બંધારણીય કેસોના નિષ્ણાંત છે. સુપ્રીમ કોર્ટની કોલેજીયમ જજની સિનિયોરીટી અને મેરીટસના આધારે તેમની ભલામણ કરતી હોય છે. કોલેજિયમે તેમના કાનૂની જ્ઞાન અને નિષ્પક્ષતા માટે તેમની પ્રશંસા કરી છે.