સંજયગાંધી નિર્ણયો અને આદેશો માટે ખૂબ જ પ્રખ્યાત થયા
સંજય ગાંધી એક એવું નામ જે કોઈ મોટું પદ ન સંભાળ્યા પછી પણ ઈમરજન્સીમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિ હતા. ભારતમાં રાજકારણમાં ખળભળાટ મચાવવા માટે સંજય ગાંધીને જવાબદાર ગણવામાં આવતા હતા. ઇન્દિરા ગાંધીની સરકારમાં સંજય ગાંધીબોલતા હતા. કટોકટી દરમિયાન દેશમાં જે કાળ હતો, તેમાં સંજય ગાંધીની મોટી ભૂમિકા હતી. આવા સમયે, પ્રેસ પર સેન્સરશિપ, સામાન્યલોકોના અધિકારો પર પ્રતિબંધ, ઘણી રાજ્ય સરકારોની બરતરફી જેવા મોટા પગલા લેવામાં આવ્યા હતા. આ જ કારણ હતું, જ્યારે સંજયગાંધી તેમના વિચિત્ર નિર્ણયો અને આદેશો માટે ખૂબ જ પ્રખ્યાત થયા હતા.
ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનો જન્મ 14 ડિસેમ્બર 1946માં દિલ્હીમાં થયો હતો. સંજય ગાંધીનું પ્રારંભિક શિક્ષણ વેલ્હમ બોયઝમાં થયું હતું અને ત્યારબાદ દહેરાદૂનની દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેણે પોતાની કારકિર્દી તરીકે ઓટોમોટિવ એન્જિનિયરિંગની પસંદગી કરી અને 3 વર્ષ ઇંગ્લેન્ડના રોલ્સ રોયસમાં એપ્રેન્ટિસશીપ કરી. તેમને સ્પોર્ટ્સ કારમાં ખૂબ રસ હતો. ભારતમાં મારુતિનો પાયો સંજય ગાંધીએ નાખ્યો હતો. તેમણે પાઇલટનું લાઇસન્સ પણ મેળવ્યું હતું. સંજય ગાંધીને ઇન્દિરા ગાંધીના રાજકીય અનુગામી તરીકે જોવામાં આવતા હતા. પરંતુ વિમાન દુર્ઘટનામાં તેમનું મોત થયું અને તેના 4 વર્ષ બાદ ઈન્દિરા ગાંધીના મૃત્યુ પછી રાજીવ ગાંધીએ ઇન્દિરાજીનું રાજકારણ હાથમાં લીધું. સંજય ગાંધીનું અવસાન 23 જૂન 1980ના રોજ વિમાન દુર્ઘટનામાં થયું હતું.
સંજય ગાંધીએ મારૂતિનો પાયો નાખ્યો
1971માં, વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ એવી ‘કાર’ બનાવવાની દરખાસ્ત કરી હતી જેને સામાન્ય માણસ ખરીદી શકે. તેમણે “પીપલ્સ કાર” બનાવવાનું નક્કી કર્યું. જૂન 1971માં કંપની એક્ટ હેઠળ ‘મારુતિ લિમિટેડ’ની રચના કરવામાં આવી હતી અને સંજય ગાંધી તેના પહેલા મેનેજિંગ ડિરેક્ટર બન્યા. સંજયને આ પ્રોજેક્ટ માટે અનુભવ, નેટવર્ક વિના લાઇસન્સ આપવામાં આવ્યું હતું. તેમણે વર્કશોપમાં કાર માટે ડિઝાઇન બનાવવાનો પ્રયાસ પણ કર્યા હતા. સંજયએ આ કામ માટે ફોક્સવેગન સાથે પણ વાત કરી પરંતુ ફોક્સવેગન સાથે કોઈ કરાર થયો નહીં. આ કંપની સતત નુકસાનીમાં ચાલતી હતી. 1980માં સંજય ગાંધીના અવસાન પછી મારુતિ લિમિટેડે જાપાનની સુઝુકી કંપની સાથે હાથ મિલાવ્યા. ત્યારબાદ મારુતિ 800નું ઉત્પાદન થયું અને ભારતીય બજારમાં 14 ડિસેમ્બર 1983ના રોજ તેને લોન્ચ કરવામાં આવી હતી.
સંજય ગાંધી અને મેનકાની લવસ્ટોરી
સંજય ગાંધીએ પોતાનાથી 10 વર્ષ નાના મેનકા ગાંધી સાથે લગ્ન કર્યા. એક અહેવાલ મુજબ મેનકા 1973માં દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાં મિસ લેડી બન્યા હતા. ત્યારબાદ તેમને મોડેલિંગની ઓફર મળવાનું શરૂ થયું. મેનકાએ પહેલી જાહેરાત બોમ્બે ડાઇંગ માટે કરી હતી. આ જાહેરાત જોઈને જ સંજય મેનકા ગાંધીને પસંદ કરવા લાગ્યા. સંજય મેનકાનો કઝીન વીનુ કપૂરનો મિત્ર હતો. સંજય અને મેનકાની મુલાકાત 1973માં વીનુના લગ્નની પાર્ટીમાં થઈ હતી. ત્યારબાદ તે એકબીજાની નજીક આવવા લાગ્યા. સંજય અને મેનકાના લગ્ન 29 સપ્ટેમ્બર 1974માં થયા હતા. તેમના લગ્ન ગાંધી પરિવારના મિત્ર મોહમ્મદ યુનુસના ઘરે થયા હતા.
સંજય ગાંધી ની રાજકારણમાં પ્રથમ હાર
સંજય ગાંધી માર્ચ 1977ની સામાન્ય ચૂંટણીમાં અમેઠીથી પ્રથમ વખત ઊભા રહ્યા. સંજય પ્રથમ વખત આ બેઠક પરથી ખરાબ રીતે હાર્યા હતા. આ સમયે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ પાર્ટીને પણ ખરાબ હારનો સામનો કરવો પડ્યો પરંતુ 1980માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં સંજય અમેઠી બેઠક પરથી વિજય થયા. તેમને મે માસમાં 1980માં કોંગ્રેસના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને 23 જૂન 1980ના રોજ વિમાન દુર્ઘટનામાં તેનું અવસાન થયું.