રક્ષાબંધન: ભારતીય સંસ્કૃતિના સ્નેહનું અમૂલ્ય પર્વ

રક્ષાબંધન: ભારતીય સંસ્કૃતિના સ્નેહનું અમૂલ્ય પર્વ

લેખન : માલા રાવલ

રક્ષાબંધન એટલે રક્ષા કોણ બાંધી શકે? બહેન ભાઈને રક્ષા બાંધી શકે અને તેના માટે કામના પણ કરી શકે. ગુરુ પોતાના શિષ્ય માટે રક્ષા બાંધી શકે. રક્ષાબંધન એટલે સંસ્કૃતિનું પાવન પર્વ.

શ્રાવણ સુદ પૂનમે આવતું આ પર્વ બહેનને ભાઈ પ્રત્યેની નિર્મળ નિષ્ઠા અને ભાવપૂર્વક સેવેલી શુભેચ્છાનું પ્રતીક છે. બહેનને ભાઈના સ્નેહની હૂંફ હોય છે. રાખડી માત્ર દોરાનું બંધન નથી, પરંતુ હૃદયનું બંધન છે.

દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું ત્યારે આ યુદ્ધમાં દાનવોનો પક્ષ વધારે બળવાન હતો. ઈન્દ્રાણીએ યુદ્ધમાં ઈન્દ્રદેવને વચન આપ્યું હતું કે, “આપણે જીતીશું.” બીજો દિવસ શ્રાવણી પૂર્ણિમાનો હતો. ઈન્દ્રાણીએ એક માદળિયું તૈયાર કરીને પતિના હાથે બાંધ્યું. આશ્ચર્યની વાત એ થઈ કે જેવા ઈન્દ્ર યુદ્ધભૂમિમાં પ્રવેશ્યા, દાનવો ત્યાંથી વેરવિખેર થઈ ગયા. દાનવોનો પરાજય થયો અને દેવરાજ ઈન્દ્ર વિજયી થયા. ત્યારથી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર શરૂ થયો હોવાનું માનવામાં આવે છે.

સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેની સીમારેખા દર્શાવી જતો આ તહેવાર છે. દુનિયાની બીજી કેટલીય સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ છે, ત્યારે ભારતીય સંસ્કૃતિને આ તહેવારને લીધે હજુ નામ-નિશાન બાકી છે. જોકે, આ તહેવારને ઐતિહાસિક મહત્વ પણ એટલું જ પ્રાપ્ત થયું છે.

પૌરાણિક કથા પ્રમાણે રક્ષાબંધનની ઉત્પત્તિ મહાભારતના યુગ સાથે સંકળાયેલી છે. ભગવાન શ્રીકૃષ્ણની આંગળી ભૂલથી સુદર્શન ચક્રથી કપાઈ ગઈ હતી. ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને શ્રીકૃષ્ણની આંગળીમાંથી વહેતું લોહી બંધ કરવા માટે પાટો બાંધી દીધો હતો. ત્યારે શ્રીકૃષ્ણે દ્રૌપદીને વચન આપ્યું કે, “ગમે તેવા સંજોગોમાં હું તારું રક્ષણ કરીશ.” મહાભારતમાં દ્રૌપદીના ચીરહરણ વખતે શ્રીકૃષ્ણે તેની મદદ કરીને પોતાની ફરજ નિભાવી હતી. પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે ત્યારથી આ તહેવારની પરંપરા શરૂ થઈ.

જ્યારે વીરતાની ભૂમિ મેવાડની રાણી કર્માવતી પર દુશ્મનોએ હુમલો કર્યો ત્યારે મદદ માગવા માટે આ હિન્દુ નારીએ પોતાના માનેલા મુસ્લિમ ભાઈ, મુઘલ સમ્રાટ હુમાયુને યાદ કરીને જાત-નાતના સંબંધોની દીવાલ તોડી સ્નેહનું બંધન બાંધવા રાખડી મોકલી હતી.

બલિરાજા પાસેથી વામન સ્વરૂપ ભગવાનને છોડાવવા સાક્ષાત્ માતા લક્ષ્મીએ પણ બલિરાજાને રાખડી બાંધી હતી.

રક્ષાબંધનનો તહેવાર માત્ર ભાઈ-બહેનના સંબંધ પૂરતો જ મર્યાદિત નથી. સાત કોઠાનું યુદ્ધ લડવા જતા ચક્રવ્યૂહમાં અભિમન્યુને જીતાડવા અને તેનું રક્ષણ કરવા માટે કુંતી માતાએ પણ પોતાના કરકમળે રાખડી બાંધી હતી. “કુંતી અભિમન્યુને બાંધે અમર રાખડી રે…” ગીત પ્રચલિત છે.

રાખડીના તાંતણે-તાંતણે બહેનનો પ્રેમ પરોવાયેલો છે. રક્ષાના નાનકડા તંતુમાં જબરજસ્ત શક્તિ સમાયેલી છે. લોખંડની મજબૂત બેડી તોડી શકનાર ભાઈ પણ બહેને બાંધેલી રાખડીના બંધનને તોડી શકતો નથી.

ભાઈ-બહેનના સ્નેહસૂત્રને સાંકળતું સુરક્ષા કવચ એટલે રક્ષાબંધન. સુતરના તાંતણે સ્નેહની ઘાસડી સમાયેલ છે.

રક્ષાબંધનના તહેવારે બહેન ભાઈના કપાળે તિલક કરી રાખડી બાંધે છે. જાજેરો મોલ નહીં, તોય અનમોલ છે ભાઈ-બહેનનો પ્રેમ. બહેન ભાઈનું દીર્ઘાયુષ્ય ઈચ્છે છે. ભાઈનો સંસાર સુખી અને સમૃદ્ધ બને એવી અભિલાષા વ્યક્ત કરી શુભેચ્છા પાઠવે છે અને મીઠાઈ પણ ખવડાવે છે. ભાઈ પોતાની શક્તિ પ્રમાણે બહેનને નાની-મોટી ભેટ અર્પણ કરે છે.

દુનિયામાં બધા જ પ્રેમ સ્વાર્થી હોય છે, જ્યારે ભાઈ-બહેનનો પ્રેમ નિર્મળ, સ્વચ્છ ઝરણા જેવો ચોખ્ખો અને અતૂટ હોય છે.

આ દિવસે ભાઈ-બહેન બંને એકબીજાને વચન આપે છે કે, “આપણે એકબીજાના સુખ-દુઃખમાં હંમેશાં સાથ આપીને સાથે રહીશું.”

સંસ્કૃતિના શિરોમણિ જેવા આ દિવસને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે.

રક્ષાબંધન: આ દિવસે બહેન ભાઈના હાથે રક્ષાબંધન બાંધી તેના ભવિષ્ય માટે શુભકામના પાઠવે છે.

શ્રાવણી: શ્રાવણ માસમાં આ પર્વ આવતું હોવાથી તેને શ્રાવણી કહેવામાં આવે છે.

બળેવ: બળેવ નામ સાંભળતાં જ ઉપાસક બ્રાહ્મણો યાદ આવે. પૂજા-મંત્ર પઠન કરીને આ દિવસે બ્રાહ્મણો નવું યજ્ઞોપવીત ધારણ કરે છે.

નાળિયેરી પૂનમ: દરિયો ખેડનારા માછીમારો અને વેપારીઓ પોતાના માલની રક્ષા માટે વિધિપૂર્વક પૂજન કરી સમુદ્રમાં નાળિયેર પધરાવે છે અને સમુદ્રદેવની કૃપા તેમના પર બની રહે તે માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે.

સંસ્કૃત દિન: સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના ગૌરવને ઉજવવા માટે આ દિવસને સંસ્કૃત દિન તરીકે પણ ઉજવવામાં આવે છે.

આ તહેવાર રાષ્ટ્રપ્રેમ, માતૃપ્રેમ, ભ્રાતૃપ્રેમ અને સંસ્કાર જેવા ભાવ કેળવી સંસ્કૃતિને અજવાળી રહ્યો છે. સદભાવ, સ્નેહ અને હૃદયપૂર્વકના આશીર્વાદથી વણાયેલો આ તહેવાર એટલે જ રક્ષાબંધન.

કોઈ ભાઈની બહેન દૂર રહેતી હોય, તે પોતે પ્રત્યક્ષ જઈ ન શકતી હોય અને બહેન ભાઈને રાખડી મોકલે ત્યારે આ રીતે આશીર્વાદ મોકલે છે:

“વર્ષનો આજે મહામૂલો તહેવાર છે. ત્યારે આ બહેનની આંખોમાં આંસુ છે. જો ભાઈ, હું પાસે હોત તો કેટલા આનંદથી તમારા કોમળ હાથે રાખડી બાંધત! પણ અફસોસ કે આપણે એકબીજાથી લાખો એક દૂર વસીએ છીએ. ભલે હું પ્રત્યક્ષ તમારી સાથે નથી, પણ પરોક્ષ રીતે તમારી સાથે જ છું.

આ રક્ષા-રાખડી મોકલું છું. તે રક્ષાબંધનના દિવસે મારા આશીર્વાદ સાથે બાંધી તમારા કરકમળની શોભા વધારશો.

મારા વીરા, જુગ-જુગ જીવો. જેમ આકાશમાં ભાનુના સૂર્યકિરણો ફૂટે અને પૂનમે કળાનો ચંદ્ર નીકળે, તેમ મારા ભાઈનું ભવિષ્ય ખીલે એવા અંતરના આશીર્વાદથી આ રક્ષા મોકલું છું. તેનો સહર્ષ સ્વીકાર કરજો.

ભાઈની બેની લાડકી ને, ભૈયલુ ઝુલાવે ડાળખી… ભાઈની સુખ-સમૃદ્ધિ અને સામર્થ્યની સદભાવના સાથે પોતાની સલામતીની શુભકામનાનું પ્રતીક છે રાખડી.

વધુ સમાચાર માટે અહીં કલિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *