
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગૃહમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાનનું સંબોધન લગભગ 5 વાગે થશે. માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીના આરોપો પર વડાપ્રધાન મોદી પણ વળતો જવાબ આપી શકે છે. મંગળવારે રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું નામ લઈને સરકાર અને ખાસ કરીને પીએમ મોદી પર સીધો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે 2014માં મોદી દિલ્હી આવ્યા પછી એવો “અસલી જાદુ” થયો કે આઠ વર્ષમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા. તેમણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતાં એવો પણ દાવો કર્યો કે વર્તમાન સરકાર દરમિયાન નિયમોમાં ફેરફાર કરીને એરપોર્ટના કોન્ટ્રાક્ટ અદાણી જૂથને આપવામાં આવ્યા અને વડાપ્રધાનની વિદેશ મુલાકાતો બાદ આ ઉદ્યોગપતિને અન્ય દેશોમાં પણ ઘણા બધા કોન્ટ્રાક્ટ મળ્યા. રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પૂછ્યું, ‘અદાણીજી તમારી સાથે કેટલી વાર વિદેશ ગયા? તમે વિદેશ ગયા પછી અદાણીજી કેટલી વાર એ દેશ ગયા? કેટલી વાર એવું બન્યું કે તમારી મુલાકાત પછી અદાણીને કોન્ટ્રાક્ટ મળ્યો? છેલ્લા 20 વર્ષમાં અદાણીજીએ ભાજપને કેટલા પૈસા આપ્યા? ઈલેક્ટોરલ બોન્ડમાં કેટલા પૈસા આપ્યા?
સદનમાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુ અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસના નેતાએ લોકસભામાં ‘તથ્ય વિનાના આરોપો’ ન કરવા જોઈએ. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, વડાપ્રધાન જયારે 2014માં દિલ્હી આવ્યા ત્યારે અસલી જાદુ શરૂ થયો. 2014માં અદાણી અમીરોની યાદીમાં 609માં નંબરે હતા, પછી આઠ વર્ષમાં તેઓ બીજા નંબરે આવી ગયા. તેમણે આરોપ લગાવ્યો કે નિયમોમાં ફેરફાર કરીને અદાણીને છ એરપોર્ટ આપવામાં આવ્યા.
તેમણે દાવો કર્યો હતો કે તપાસ એજન્સીનો દુરુપયોગ કરીને મુંબઈ એરપોર્ટ અદાણીના હાથમાં આપી દેવામાં આવ્યું. આના પર દરમિયાનગીરી કરતા રિજિજુએ કહ્યું, ‘તથ્યો વિના આરોપ લગાવવાનો કોઈ અર્થ નથી. જો તમે આરોપો લગાવતા હોવ તો તમારે દસ્તાવેજો રાખવા પડશે.’ રાહુલ ગાંધીએ કહ્યું, “વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા જાય છે અને ત્યાં તેમને એક કોન્ટ્રાક્ટ મળે છે જેના પર સ્ટેટ બેંકમાંથી અદાણી જૂથને એક અબજ ડોલરની લોન આપવામાં આવે છે. વડાપ્રધાન બાંગ્લાદેશ જાય છે અને થોડા દિવસો પછી અદાણી જૂથને બાંગ્લાદેશમાં 1500 મેગાવોટ વીજળીનો કોન્ટ્રાક્ટ મળી જાય છે.’ તેમણે દાવો કર્યો કે આ ભારતની વિદેશ નીતિ નથી, આ ‘અદાણીજીની વિદેશ નીતિ’ છે.