Gujarat Police : શું ગુજરાતમાંથી 41 હજાર મહિલાઓ છે ગુમ! આખરે શું છે સત્ય? ગુજરાત પોલીસનો ખુલાસો

Gujarat Police: છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી 41 હજારથી વધુ મહિલાઓના ગુમ થવાને લઈને પ્રકાશિત થયેલા સમાચારો મામલે ગુજરાત પોલીસે મોટો ધડાકો કર્યો છે. ગુજરાત પોલીસે જણાવ્યું છે કે, આ માહિતી અધુરી અને ગેરમાર્ગે દોરનારી છે.

ગુજરાત પોલીસે કર્યો ખુલાસો

ગુજરાતમાં એક સમાચારે ભારે ચર્ચા જગાવી દીધી છે. અમુક સમાચાર માધ્યમોમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડાને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 41 હજાર મહિલાઓ ગુમ થઈ ગઈ છે. આ સમાચાર પ્રકાશિત થયા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે વિરોધ પક્ષો ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ભાજપની સરકાર સામે કાયદો વ્યવસ્થા મામલે સવાલો ઉઠી રહ્યા છે. જોકે, હવે ગુજરાત પોલીસે આ મામલે મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે આ માહિતી અધુરી અને ગેરમાર્ગે દોરનારી છે.
ગુજરાત પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘હાલમાં અમુક સમાચાર માધ્યમોમાં Nation Crime Record Bureau (NCRB)ના આંકડાના હવાલાથી “ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 41 હજાર મહિલાઓ ગુમ થઇ” હોવાના સમાચાર પ્રકાશિત થયેલ છે. આ માહિતી અધૂરી અને માટે ગેરમાર્ગે દોરનારી છે. વર્ષ 2016-2020માં ગુજરાતમાંથી 41,621 મહિલાઓ ગુમ થયેલ હતી.’

ગુજરાત પોલીસે ટ્વિટ કરીને કર્યો મોટો ધડાકો

આ સમાચાર અધૂરા અને ગેરમાર્ગે દોરનારા છેઃ ગુજરાત પોલીસ
ગુજરાત પોલીસે અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘પરંતુ આ પૈકી 39,497 મહિલાઓને (94.90%) પરત મળી આવેલ છે અને તેમના પરીવાર સાથે છે. આ બંને આંકડાઓ પણ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલ છે, જેની ખરાઇ NCRBના પોર્ટર્લ પરથી પણ કરી શકાય છે. આમ જે સમાચાર અમુક માધ્યમોમાં પ્રકાશીત થયેલ છે તે અધૂરા અને ગેરમાર્ગે દોરનારા છે.’

શું છે સમગ્ર મામલો?
કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવતા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)એ ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓના આંકડા જાહેર કર્યાં હતા. જે મુજબ રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 41 હજારથી વધુ મહિલાઓ ગુમ થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. NCRBના આંકડા અનુસાર, 2016માં 7,105 મહિલાઓ, 2017માં 7,712, 2018માં 9,246 અને 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. 2020માં 8290 મહિલા ગુમ થઈ હોવાનું નોંધાયું છે. પાંચ વર્ષમાં કુલ સંખ્યા 41,621 મહિલા ગુમ થઈ છે.

એક રિપોર્ટ અનુસાર, આ મામલે પૂર્વ IPS અધિકારી અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચના સભ્ય સુધીર સિન્હાએ જણાવ્યું હતું કે, ‘કેટલાક કિસ્સાઓમાં મે એવું જોયું છે કે ગુમ થયેલી છોકરીઓ અને મહિલાઓને અન્ય રાજ્યમાં મોકલીને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવામાં આવે છે. પોલીસ તંત્રની સમસ્યા એ છે કે તે ગુમ થવાના કેસોને ગંભીરતાથી લેતી નથી. ‘તો ડો.રાજન પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, કાર્યકાળ દરમિયાન મારા અનુભવમાં આવ્યું છે કે મોટાભાગની ગુમ થયેલી મહિલાઓને ગેરકાયદે માનવ તસ્કરી સાથે સંકળાયેલી ટોળકી દ્વારા ઉપાડી લેવામાં આવે છે, જેઓ તેમને અન્ય રાજ્યમાં લઈ જાય છે અને વેચે છે. ગુમ થયેલી મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *