
સૌરાષ્ટ્ર વિસ્તારમાં સોમનાથ અને ધોરાજી ખાતે જાહેર સભાને સંબોધી અમરેલી ખાતે અમરેલી જિલ્લાના ઉમેદવારો જે. વી. કાકડીયા, કૌશીકભાઇ વેકરીયા, જનકભાઇ તલાવીયા, મહેશભાઇ કસવાલા અને હીરાભાઇ સોલંકીના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધી હતી.
અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જણાવ્યું હતું કે, હું અમરેલી આવું એટલે ઘરે આવ્યો છું એવું લાગે છે. ડૉ. જીવરાજ મહેતા એવા મુખ્યમંત્રી હતાં કે જેઓ અમરેલીના હતાં પણ મોદી એવા મુખ્યમંત્રી હતા જે અનુભવ કરતાં કે આ અમરેલી એનું છે. આ અમરેલીની ધરા સંતોની ધરા છે, કર્મયોગીઓની ધરા છે, આ ધરાની સાહિત્યની ધરા છે આ ધરા સાહિત્ય અને તલવારની તાકાત ધરાવે છે. અમરેલીની આ સભા જ બતાવી આપે છે કે અમરેલી જિલ્લામાંથી આ વખતે તમામ કમળો ગુજરાત વિધાનસભામાં જવાના છે.

મોદી સાહેબે વધુમાં જણાવ્યું હતું કે, ગત ૨૦ વર્ષમાં રાજ્યમાં જે પ્રગતિ થઇ છે તેના આંકડા જોઇએ તો સાચા અર્થમાં વિકાસ થયો છે તેમ કહેવાય. રાજ્યની જનતા વિકાસ બોલે એટલે ગુજરાતનું નામ મોખરે આવે છે. રાજ્યએ ઔદ્યોગિક ક્ષેત્રે એક અલગ છબી બનાવી છે. રાજ્યની જનતાને ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થવાના કારણે રોજગારીઓનું સર્જન થયું છે. અમરેલી જીલ્લાનું પીપવાવ બંદર ઉત્તર ભારતને જોડવા માટે પીપાવાવ કોરીડોર બનવા જઇ રહ્યું છે તેના કારણે ઇતિહાસમાં એક પ્રકરણ બની જવાનું છે. આ પીપાવાવ બંદરના કારણે સમુદ્રના માધ્યમથી વધુ નવા ઔદ્યોગિક ક્ષેત્રનું સ્વાગત કરવા જઇ રહ્યું છે. કૃષિ ક્ષેત્રને ફાયદો થવાનો છે.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સૌરાષ્ટ્રની જનતા પાણી મેળવવા માટે જે મુશ્કેલીઓ માંથી પસાર થઇ છે તે સૌ કોઇ જાણે છે. પાણી માટે પરમેશ્વરની પૂજા અર્ચના કરવી પડે છે. આજે પરમાત્માએ પાણીની વર્ષા કરવી હોય તો સૌ પહેલાં અમરેલીમાં કરે છે. ભૂતકાળની સરકારોમાં પીવાના પાણી માટે હેન્ડપંપ લગાવી દે તો જે તે વિસ્તારનો ધારાસભ્ય પાંચ પાંચ ચૂંટણીઓ આરામથી જીતી જતાં હતાં. પરંતુ ભાજપાએ રાજ્યમાં સત્તાના માધ્યમથી સેવા કરવાના આશય સાથે શાસનની ધુરા સંભાળેલ હોઇ આજે ઘેર ઘેર પાઇપ થી પિવાનું પાણી પહોંચાડવામાં આવે છે અને એટલા માટેજ હેન્ડપંપ એ ભૂતકાળ બની ગયો છે.