પોરબંદરના કુતિયાણા મત વિસ્તારમાં આવેલ ભૌગોલિક રીતે રકાબી આકારના ઘેડ પંથકને સુવિધા આપવામાં ડબલ એન્જીન સરકાર નિષ્ફળ ગઇ હોવાનું આમ આદમી પાર્ટીના આ વિસ્તારના ઉમેદવાર ભીમાભાઇ મકવાણાએ જણાવ્યું હતું અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવ્યા ત્યારે પણ કીર્તિમંદિર ખાતેની મુલાકાતમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી ત્યારે તેમણે પણ એવું જણાવ્યું હતું કે પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ ભાજપ સરકારને મતદારો આગામી ચૂંટણીમાં જાકારો આપશે .
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીમાભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે કુતિયાણા વિધાનસભામાં ઘેડ વિસ્તાર ભાદર નદી કિનારે આવેલો છે અને ભાદર નદી સમુદ્રને મળે ત્યાં ઉંડાઇ ઘટી જાય છે. જેથી નદીનું પાણી જમીન ઉપર આવી જાય છે. આવા વખતે લગભગ ૪૦ કરતા વધારે ગામમાં પાણી ફરી વળે છે. જેના લીધે આ બધા ગામો સંપર્ક વિહોણા બની જાય છે અને મહિનાઓ સુધી સંપર્ક વિહોણા રહે છે. આવા સંજોગોમાં ગ્રામ્ય રોજગારીનો પ્રશ્ન ઉભો થાય છે. લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. આવા સંજોગોમાં પશુઓને સાચવવા, ઘરમાં ખાવાનું, લોકો બીમાર પડે ત્યારે દવાખાને લઇ જવામાં મોટા પ્રોબ્લેમ થાય છે. સ્કૂલો બંધ થઇ જાય છે. જેથી શિક્ષણની કન્ટીન્યૂટી કપાય જાય છે અને આ વિસ્તારના ઘણા લોકો શૈક્ષણિક રીતે પછાત છે. જેથી યુવાધનમાં સતત પછાતપણું અને બેરોજગારી જોવા મળે છે. જમીનો પાણીમાં ડુબીમાં રહેવાથી પાકોને નુકશાન થઇ જાય છે.
જેથી ચોમાસા દરમ્યાન ખેતીની આવક શૂન્ય થઇ જાય છે. ઓછામાં પૂરું ઉપરવાસના ઇન્ડસ્ટ્રીઝનો કેમીકલ વેસ્ટ નદીમાં ઠાલવવામાં આવે છે જેથી બધુ પાણી કેમિકલયુકત હોવાથી શિયાળુ પાકમાં ઉત્પાદન ઘટવા લાગ્યું છે. જેથી એકમાત્ર કમાણીનું સાધન છે જે પણ દિવસેને દિવસે ઉત્પાદન ઘટે છે. આરોગ્યની બાબતમાં બધા જ રસ્તાઓ પાણીમાં ડુબેલા હોવાને લીધે દરેક ગામો સંપર્કવિહોણા બની જાય છે. જેથી નવા બાળકોના જન્મની પરિસ્થિતિમાં ઘરે જ ડીલીવરી કરાવવી પડે છે. જેથી મા તથા બાળક બન્ને માથે જીવનું જોખમ હોય છે અને વૃધ્ધોને પણ બીમારીમાં દવાખાના સુધી લઇ જઇ શકાતા નથી. આથી મૃત્યુનું પ્રમાણની સંખ્યા વધારે છે. તથા જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પણ તૂટી જાય છે. જેના લીધે બીમારી વધી જવાની પણ શકયતાઓ વધે છે અને આ બધા વિસ્તારમાં પછાત જાતિઓ જ રહે છે. જેથી આ ચાલુ સરકાર આ બાબતે કશું જ વિચારતી નથી અને આથી આ વિસ્તારની પારાવાર નુકશાનીથી કંટાળીને મતદારોએ આ વખતે ડબલ એન્જીનની ૨૭ વર્ષની જુની સરકારને જાકારો આપી અને નવા એન્જનવાળી આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકી અને આમ આદમી પાર્ટીને જંગી બહુમતિથી જીતાડવાનું મન બનાવી લીધેલ છે.