Gandhinagar : સચિવાલયમાં શોર્ટ સર્કિટથી ધડાકો: 4 કર્મચારી દાઝ્યા, વીજળી ગુલ થતાં અફરાતફરી

Gandhinagar : સચિવાલયમાં શોર્ટ સર્કિટથી ધડાકો: 4 કર્મચારી દાઝ્યા, વીજળી ગુલ થતાં અફરાતફરી

Gandhinagar : રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત સચિવાલય પરિસરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સચિવાલયના બ્લોક નંબર 13 પાસે આવેલા પાવર સપ્લાયના ટ્રાન્સમિશન વાયરીંગમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે જોરદાર વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના બે વાયરમેન સહિત અન્ય કર્મચારીઓ મળીને કુલ ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

Gandhinagar : ટ્રાન્સમિશનમાં ભડાકો અને ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડાયા

મળતી માહિતી મુજબ, નર્મદા વિભાગ અને માર્ગ-મકાન વિભાગની વચ્ચે આવેલા બ્લોક નંબર 13ની નીચે આ મોટી ઘટના આકાર પામી હતી. પાવર સપ્લાય લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં જ જોરદાર ધડાકો થયો હતો. આ અકસ્માતમાં ફરજ પરના બે વાયરમેન ગંભીર રીતે દાઝી ગયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિના બંને હાથ દાઝ્યા છે અને કુલ ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટના પગલે સચિવાલયમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Gandhinagar : 7 બ્લોકમાં વીજળી ગુલ, લિફ્ટ બંધ કરાઈ

આ વિસ્ફોટની સીધી અસર સચિવાલયના વીજ પુરવઠા પર પડી હતી. સ્વર્ણિમ સંકુલ-2 સહિત સચિવાલયના બ્લોક નંબર 8થી 14માં અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે અને કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે મોટાભાગના બ્લોકમાં લિફ્ટ સેવાઓ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી હતી. જો કે, વહીવટી તંત્રની ત્વરિત કામગીરીને કારણે સ્વર્ણિમ સંકુલ-2માં થોડા સમય બાદ વીજ પુરવઠો ફરી પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે.

Gandhinagar : ગેરકાયદેસર ACના કારણે પાવરલોડ વધ્યો હોવાની ચર્ચા

આ ઘટના પાછળ એક મોટું કારણ પાવરલોડનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સચિવાલયને સેન્ટ્રલ AC કરવા માટે સરકારે એક વર્ષ પહેલાં જ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દીધી છે. આમ છતાં, સચિવાલયની અનેક ચેમ્બરો અને બ્રાંચોમાં સરકારની સત્તાવાર મંજૂરી વગર, તાબાના બોર્ડ-નિગમોના સહયોગથી અલગથી સંખ્યાબંધ AC ફિટ કરી દેવામાં આવ્યા છે. આ આડેધડ ફિટ કરાયેલા ACના કારણે વીજ લાઇન પર પાવરલોડ ક્ષમતા કરતાં ઘણો વધી ગયો હતો, જેના પરિણામે ટ્રાન્સમિશનમાં આ ભડાકો થયો હોવાની સચિવાલયના ગલિયારાઓમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે.હાલમાં માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વીજ કંપનીની ટીમ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવીને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *