PM મોદીના સ્વતંત્રતા દિવસના સંબોધનની 7 મોટી વાતો: 1 કરોડ યુવાનોને AI સ્કિલ્સ ટ્રેનિંગ, મફત ઓનલાઈન કોચિંગની જાહેરાત

PM મોદીના સ્વતંત્રતા દિવસના સંબોધનની 7 મોટી વાતો: 1 કરોડ યુવાનોને AI સ્કિલ્સ ટ્રેનિંગ, મફત ઓનલાઈન કોચિંગની જાહેરાત

નવી દિલ્હી: દેશના 80મા સ્વતંત્રતા દિવસના અવસરે PM વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશવાસીઓને સંબોધિત કર્યા. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન અને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે પ્રથમ વખત લાલ કિલ્લા પરથી ‘વંદે માતરમ’નું ગાન પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ પોતાના આશરે 76 મિનિટના સંબોધનમાં વિકસિત ભારત-2047, આત્મનિર્ભરતા, યુવાનો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મહિલા અનામત અને નક્સલવાદ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી હતી.

1. ‘હથિયારધારી નક્સલવાદીઓ ગયા, માનસિક નક્સલવાદીઓ હાજર’

પીએમ મોદીએ કહ્યું કે દેશમાં હથિયારધારી નક્સલવાદ સામેની લડાઈમાં મોટી સફળતા મળી છે, પરંતુ હવે ‘માનસિક નક્સલવાદ’ સામે પણ સાવચેત રહેવાની જરૂર છે. આવા તત્વો યુવાનોને ભટકાવીને હિંસા અને અરાજકતાના માર્ગે લઈ જવાનો પ્રયાસ કરી શકે છે. તેમણે આવા તત્વોને ઓળખીને યુવાનોને વિકાસના માર્ગ સાથે જોડવાની જરૂરિયાત વ્યક્ત કરી.

2. મહિલા અનામતના અમલ માટે રાજકીય પક્ષોને અપીલ

વડાપ્રધાન મોદીએ મહિલા સશક્તિકરણનો મુદ્દો ઉઠાવતા દેશના તમામ રાજકીય પક્ષોને મહિલા અનામતના અમલ માટે આગળ આવવાની અપીલ કરી. તેમણે કહ્યું કે મહિલાઓના સન્માન અને ભાગીદારી માટે સમયની માંગ મુજબ જરૂરી પગલાં લેવા જોઈએ.

3. 2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય

પીએમ મોદીએ કહ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય નક્કી છે. આ માટે કાર્ય સંસ્કૃતિ અને વિચારસરણીમાં પરિવર્તન જરૂરી છે. છેલ્લા પાંચથી સાત દાયકામાં જે કામ થઈ શક્યાં નથી, તે આગામી પાંચથી સાત વર્ષમાં કરવાની દિશામાં દેશે ઝડપથી આગળ વધવું પડશે.

4. આત્મનિર્ભર ભારત પર ભાર

વડાપ્રધાને કહ્યું કે ભારતે બીજા દેશો પર નિર્ભર રહીને આગળ વધવાનું નથી. દુનિયામાં અનેક વસ્તુઓ સસ્તી અને ઝડપથી ઉપલબ્ધ થઈ શકે છે, પરંતુ પોતાની ક્ષમતાઓનું નિર્માણ કરવું જરૂરી છે. દેશના હિતોની સુરક્ષા અને જરૂરી ક્ષમતાઓના વિકાસ માટે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ વધુ મજબૂત બનાવવાની વાત તેમણે કરી.

5. એક વર્ષમાં 1 કરોડ યુવાનોને AI સ્કિલ્સ ટ્રેનિંગ

યુવાનો માટે મોટી જાહેરાત કરતાં પીએમ મોદીએ જણાવ્યું કે આગામી એક વર્ષમાં 1 કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની સ્કિલ્સનું ટ્રેનિંગ આપવામાં આવશે. આ ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની મફત ઓનલાઈન કોચિંગની વ્યવસ્થા શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી.

6. ગ્લોબલાઈઝેશન વચ્ચે આત્મનિર્ભરતાની જરૂરિયાત

પીએમ મોદીએ કહ્યું કે એક સમય એવો હતો જ્યારે આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવતી ત્યારે ગ્લોબલાઈઝેશન અંગે સવાલો ઉઠાવવામાં આવતા હતા. પરંતુ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિએ આત્મનિર્ભરતા અને પોતાની ક્ષમતાઓ વિકસાવવાનું મહત્વ વધુ સ્પષ્ટ કર્યું છે.

7. મોટા સપના અને મજબૂત સંકલ્પનો સંદેશ

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને નાના નહીં પરંતુ મોટા સપના જોવાની અપીલ કરી. તેમણે કહ્યું કે મોટા સપના વિચારસરણીને વિસ્તૃત કરે છે અને મજબૂત સંકલ્પ હોય તો મુશ્કેલીઓ તથા આફતો વચ્ચે પણ રસ્તો શોધવાની ક્ષમતા વિકસે છે.

76 મિનિટનું સંબોધન

લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું આ સંબોધન આશરે 76 મિનિટનું રહ્યું. અગાઉ 2022માં તેમણે 74 મિનિટ અને 2014માં 65 મિનિટનું ભાષણ આપ્યું હતું. આ રીતે 76 મિનિટનું આ ભાષણ લાલ કિલ્લા પરથી તેમના સૌથી લાંબા ભાષણોમાંનું એક રહ્યું.

સ્વતંત્રતા દિવસના આ સંબોધનમાં પીએમ મોદીએ ‘વિકસિત ભારત-2047’ના લક્ષ્ય સાથે યુવાનો, આત્મનિર્ભરતા અને નવી ટેક્નોલોજીને દેશના વિકાસના મુખ્ય આધારસ્તંભ તરીકે રજૂ કર્યા.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *