
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ-ડાકોરમાં ફાગણી પૂનમની ઉજવણી, શામળાજીમાં ઉજવાયો રંગોત્સવ
ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રંગોના તહેવારમાં દ્વારકામાં ભવ્ય ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ફાગણ સુદ પૂનમના દિવસે ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા અને ઠાકોરજીનો આશિર્વાદ મેળવવા માટે અનેક પદયાત્રીઓ પગપાળા કરીને દ્વારકા પહોંચ્યા હતા. જ્યારે શામળાજીમાં રંગોત્સવ ઉત્સવની ઉજવણીમાં ભગવાને ચાંદીની પિચકારીથી કેસુડાનો રંગ ભક્તો પર છાંટ્યો હતો.
દ્વારકાધીશ મંદિરમાં ઉજવાયો ફૂલડોલ મહોત્સવ
રાજ્યના વિવિધ મંદિરો ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે શુક્રવારે (14 માર્ચ, 2025) દ્વારકાધીશ મંદિરમાં ફૂલ ડોલ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં ફાગણીપર્વ દરમિયાન રંગની પોટલી અને ચાંદીની પિચકારી સાથે ઘેરીયાનું સ્વરૂપ ભગવાને ધારણ કર્યુ અને પછી ચાંદીની પિચકારીમાં કેસુડાના ફુલનો રંગ ભરીને ઉડાવવામાં આવે છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં આવીને અબીલ ગુલાલ સંગ હોળીના પાવની ભવ્ય ઉજવણી કરી હતી.
ડાકોર ખાતે ફાગણી પૂનમની ધામધૂમથી ઉજવણી
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. રણછોડરાય મંદિરમાં રંગોત્સવ ઉજવાયો છે, ત્યારે ભક્તોએ રંગોના તહેવારની ભગવાન સાથે ઉજવણી કરી હતી. ડાકોર રણછોડરાય મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમઠ્યા છે, ત્યારે ફાગણી પૂનમે ભગવાન સોના અને ચાંદીની પિચકારીથી ભક્તો સાથે ધૂળેટી રમ્યા.
ધૂળેટીના તહેવારમાં શામળાજી ખાતે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. રંગોત્સવ ઉત્સવની ઉજવણીમાં ભગવાને ચાંદીની પિચકારીથી કેસુડાનો રંગ ભક્તો પર છાંટ્યો હતો. ધૂળેટીના પર્વને લઈને શામળાજી ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.