
પીએમ મોદીએ સભાની સંબોધનની શરૂઆત દર વખતની જેમ જ ભારત માતા કી જય કહી ને કરી હતી અને કહ્યું હતું કે હું પ્રથમ પ્રધાનમંત્રી છું કે જામકંડોરણામાં આવ્યો છું. જામકંડોરણમાં એવું દ્રશ્ય પહેલીવાર સર્જાયું છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ વિજય રૂપાણીનો આભાર વ્યક્ત કર્યો હતો અને સી આર પાટીલને સૌથી વધુ લોકસભા મતોથી જીતનાર સાસંદ તરીકે ગણાવ્યા હતા. પીએમ મોદીએ મંચ પર જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખને તેમની જન્મજ્યંતિ હોવાથી યાદ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જામકંડોરણાની ભૂમિ પર આવતા જ વિઠઠલભાઈ યાદ જરૂર આવે છે.
પીએમ મોદીએ પોતાની રાજકીય કારકિર્દીના 21 વર્ષ પૂર્ણ કરતા તેમણે રાજકોટની ભૂમિને યાદ કરીને કહ્યું હતું કે મારી રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટથી થઇ હતી. આ ઉપરાંત પીએમ મોદીએ જલારામબાપા તેમજ માં ખોડલને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે આ પવિત્ર આશીર્વાદની ભૂમિ છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ટીકા સહન કરીને પણ ભ્રષ્ટાચારમુક્ત ભારતનો સંકલ્પ પૂર્ણ કરીશ. ભાજપ પર અતૂટ વિશ્વાસ મુકવા બદલ રાજકોટ અને કાઠિયાવાડનો આભાર માન્યો હતો. વર્ષો પહેલા ગુજરાતમાં અનેક સમસ્યાઓ હતી. વર્ષો પહેલા અનેક ઘરોમાં રાત્રે લાઈટ જતી રહેતી. પાણી માટે લાઈનો કરવી પડતી હતી એવા દિવસો ગુજરાતના લોકોએ જોયા છે. આજે નળ થી જળ આવે તેવી મહેનત અમે કરી છે. અત્યારનું ગુજરાત વડીલો માટે સ્વપ્ન સમાન હતું તેમ કહું હતું. ગુજરાતમાં ભય અને તંગ જેવો માહોલ રહેતો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જંગી સભાને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. આ પ્રથમ વખત બન્યું છે કે જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામકંડોરણા ખાતે આવ્યા હતા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામકંડોરણાની સભામાં આવતા જ લોકોનું અભિવાદન કર્યું હતું. નોંધનીય છે કે પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા તેમજ સૌરાષ્ટ્રનું એપિક એવા જામકંડોરણાને સાત જિલ્લાની સરહદ નજીક છે જેથી આ સભા સ્થળેથી સૌરાષ્ટ્રની મોટાભાગની વિધાનસભાની બેઠક માટેનો પ્રચાર પણ કરી દીધો છે. આ સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, જયેશ રાદડિયા તેમજ સંગઠનના નેતા અને અનેક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ મોદીની સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કહ્યું હતું કે પીએમ મોદીને આવકારવા માટે રાજકોટ જિલ્લો જામકંડોરણામાં ઉભરાયો છે. વિરોધઓન છાતીના પાટિયા બેસી જાય એટલી જનમેદની ભેગી થઇ છે. મોદી હે તો મુમકીન હે, ભાજપ છે તો ભરોસો છે તેમ પાટીલે કહ્યું હતું. કોંગ્રેસ પર પ્રહાર કરતા પાટીલે કહ્યું હતું કે કોંગ્રેસનું કામ નથી બોલતું કોંગ્રેસના કારનામા બોલે છે અને એ કારનામા ગુજરાતની પ્રજા ભૂલી નથી અને ભૂલવાની પણ નથી.

આ ઉપરાંત સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ જ સૌરાષ્ટ્રની રાજકોટની બેઠક પરથી પીએમ મોદી પ્રથમ ચૂંટણી લડ્યા હતા. પીએમ મોદી પણ સૌરાષ્ટ્રનું આ રૂણ ક્યારેય ભૂલ્યા નથી. પાણી માટે પોકાર કરતા સૌરાષ્ટ્રને પાણી પહોચાડવામાં આવ્યું હતું. મોરબી, રાજકોટનો ઉદ્યોગ રૂંધાય ગયો હતો. નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ સૌરાષ્ટ્રનો વિકાસ કર્યો છે તેમ સીએમએ સંબોધનમાં કહ્યું હતું.