
Ahmedabad News ચંડોળા તળાવના અસરગ્રસ્તોનો રિવરફ્રન્ટ હાઉસ પર વિરોધ, આવાસ અને ₹10 હજાર ભાડાની માંગ

Ahmedabad News અમદાવાદ: શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મકાનો હટાવાયા બાદ હજુ સુધી આવાસની વ્યવસ્થા ન થતા અસરગ્રસ્ત લોકોમાં રોષ જોવા મળ્યો છે. ગુરુવારે 3 સપ્ટેમ્બરે 200થી વધુ લોકો સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ, મકાનો દૂર થયા બાદ મહાનગરપાલિકા દ્વારા આવાસ માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને કેટલાક લોકો પાસેથી ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા. તેમ છતાં લાંબો સમય વીતી ગયો હોવા છતાં આવાસ ફાળવણી અંગે સ્પષ્ટ કાર્યવાહી ન થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
Ahmedabad News : આવાસ નહીં મળે ત્યાં સુધી ₹10 હજાર માસિક ભાડાની માંગ
વિરોધ દરમિયાન દાણીલીમડા વોર્ડના કોંગ્રેસ કોર્પોરેટર શહેજાદખાન પઠાણની આગેવાનીમાં લોકોએ મહાનગરપાલિકા સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. અસરગ્રસ્ત પરિવારોને જ્યાં સુધી કાયમી આવાસ આપવામાં ન આવે ત્યાં સુધી દર મહિને ₹10 હજાર ભાડું ચૂકવવાની માંગ કરવામાં આવી છે.
વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે મકાનો ગુમાવ્યા બાદ અનેક પરિવારોને હાલ ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી રહી છે. જેના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Ahmedabad News : રિવરફ્રન્ટ હાઉસ બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા
ચંડોળા તળાવ વિસ્તારના અસરગ્રસ્તો બેનરો સાથે રિવરફ્રન્ટ હાઉસ બહાર એકત્ર થયા હતા. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો વિરોધમાં જોડાયા હતા. રજુઆત માટે પહોંચેલા લોકોને મ્યુનિસિપલ કમિશનર સાથે મુલાકાત ન થતાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
વિરોધ દરમિયાન એવી પણ ચીમકી આપવામાં આવી હતી કે જો વહેલી તકે આવાસની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં અસરગ્રસ્ત પરિવારો સામાન સાથે મ્યુનિસિપલ કમિશનરના નિવાસસ્થાને પહોંચશે.
Ahmedabad News : આવાસ ફાળવણીમાં પારદર્શિતાની પણ માંગ
વિરોધ કરી રહેલા આગેવાનો દ્વારા આવાસ યોજનાના મકાનોની ફાળવણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાની માંગ પણ કરવામાં આવી છે. ગરીબ અને અસરગ્રસ્ત પરિવારોને તેમના હકનું આવાસ સમયસર મળે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
ચંડોળા તળાવ વિસ્તારના અસરગ્રસ્ત પરિવારો હવે મહાનગરપાલિકા દ્વારા આવાસ ફાળવણી અંગે ક્યારે નિર્ણય લેવાય તેની રાહ જોઈ રહ્યા છે.
